Western Times News

Gujarati News

બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતમાં કોરોનાના કેસમાં થયેલો ઘટાડો સરકારની “સાચી દિશા” સૂચવે છે : મુખ્યમંત્રી

ટીવી- ૯ કોન્ક્લેવમાં મુખ્યમંત્રીશ્રી-કોરોનાની બીજી લહેરના અનુભવમાંથી સંભવિત ત્રીજી લહેરની પૂર્વતૈયારી 

–      કોરોના કટોકટીમાં અમેરિકામાં ૧૩ મેયરે કંટાળીને રાજીનામાં આપ્યા, પણ અમે અડગ છીએ. 

કોરોનાકાળમાં પણ અમે ગુજરાતની વિકાસની ગતિ ધીમી થવા દીધી નથી, તેમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં હોટલ હયાત ખાતે ટીવી-૯ દ્વારા આયોજીત કાર્યક્રમમાં જણાવ્યું હતું. શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં થયેલો ઘટાડો સરકારની “સાચી દિશા” સૂચવે છે.તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે કોરોનાના કેસનો આંક ૧૪ હજારને પાર કરી ગયો હતો, તે ઘટીને આજે માત્ર ૫૬ થઈ ગયા છે.

મુખ્યમંત્રીશ્રીએ કોરાનાના કારણે અમેરિકામાં ૧૩ મેયરના રાજીનામાંનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, અમે કદી પલાયન કર્યું નથીઅને કરવાના નથી. તેમણે આ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, શ્રી નરેન્દ્રભાઈએ અમને આફતને અવસરમાં પલટાવવાનું શીખવ્યું છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં રાજ્ય સરકારે કોઈ આંકડા છુપાવ્યા નથી અને અમારી સરકારે હંમેશા પારદર્શકતાથી કામ કર્યું છે, તેનું દસ્તાવેજીકરણ કર્યું છે. અને જરુર પડે ત્યારે અદાલતોમાં એફિડેવિટ પણ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે , ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન કરીને અમે શાસનનું દાયિત્ત્વ નિભાવ્યું છે.

કોરોનાના સમયમાં ગુજરાત સરકારે કરેલી કામગીરીનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા સવા વર્ષથી રાજ્ય સરકારનો એજન્ડા કોરોના જ રહ્યો છે. તેમણે કહ્યું કે  અસાધારણ પરિસ્થિતિમાં અસાધારણ પગલા લેવા પડે એ ન્યાયે ગુજરાત સરકારે કોરોના માટે કોર કમિટિની રચના કરી ત્વરીત નિર્ણયો લીધા છે. અમે ક્યારેય Confusion માં હોતા નથી, હંમેશા Actionમાં જ હોઈએ છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ  ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે ફક્ત ચૂંટણીને આધારે જ કામ નથી કરતા, અમારા માટે પ્રજાનું હિત સર્વોપરી છે.

બીજા વેવમાં ઘણા રાજ્યોએ લોકડાઉન કર્યું, પણ ગુજરાતે જનજીવન પણ રાબેતા મુજબ ચાલે અને કોરાનોને પણ નિયંત્રિત કરવાનો અભિગમ અપનાવ્યો. જેના પગલે જ ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૨.૫ ટકા જ રહ્યો, જે અન્ય રાજ્યોમાં ૨૦ ટકા જેટલો રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ તાઉતે વાવાઝોડામાં ગુજરાત સરકારે દાખવેલી કટિબદ્ધતાનો દાખલો આપતા કહ્યું કે, વાવાઝોડા સમયે મેં જાતે કંટ્રોલરુમમાં બેસી નીરિક્ષણ કર્યું અને પરિણામે વ્યાપક જાનહાનિ થતી અટકાવી શકાઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે, તાઉતે વાવાઝોડા બાદ અસરગ્રસ્તોને રુ. ૫૦૦ કરોડથી વધુની સહાય DBT મારફતે સીધા ખાતામાં પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં તમામ યોજનાના લાભ DBT મારફતે પહોંચાડવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમામાં ડેપ્યુટી મેયર શ્રી ગીતાબહેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, દંડક શ્રી અરૂણ રાજપૂત, પૂર્વ મેયરશ્રી અમિતભાઈ શાહઅને વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.