‘બીજા સમાજમાં લગ્ન કરતી દીકરીને દૂધ પીતી કરો’
અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરના ફેસબુક
|
(પ્રતિનિધિ) અમદાવાદ : ઠાકોર ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બે દિવસ પહેલા જ બાર ગામના સમાજના લોકો માટે સમાજના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા જેમાં લગ્નપ્રસંગે ડીજે વગાડવા પર પ્રતિબંધ તથા દિકરીઓને મોબાઈલ ફોન નહી આપવા સહિતનો સમાવેશ થાય છે આ દરમિયાનમાં જ ગઈકાલ મોડી સાંજથી અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખના ફેસબુક એકાઉન્ટ ઉપર એક વિવાદિત પોસ્ટ વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે
આ પોસ્ટમાં બીજા સમાજમાં લગ્ન કરનાર દિકરીને દુધ પી તી કરો તેવુ જણાવાયું છે જેના પગલે સમાજના જ આગેવાનોએ અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખની આ પોસ્ટ પર આકરી ટિપ્પણી કરી તેનો વિરોધ કર્યો છે જેના પગલે તાત્કાલિક પ્રમુખે આ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તેના મોબાઈલ ફોન પરથી અન્ય કોઈ શખ્સને તેની જાણ બહાર આ પોસ્ટ મુકી દીધી છે જાકે હાલમાં સોશિયલ મીડીયામાં ડીલીટ કરાયેલી પોસ્ટના સ્ક્રીન શોર્ટ વાયરલ થઈ રહયા છે અને લોકો આકરી પ્રતિક્રિયા આપી રહયા છે.
આ અંગેની વિગત એવી છે કે તમામ ક્ષેત્રમાં વિકસિત ગુજરાત રાજયમાં તમામ સમાજના લોકો શિક્ષિત બની કુરિવાજાને તિલાંજલિ આપવા લાગ્યા છે એટલું જ નહી પરંતુ અંધશ્રધ્ધામાંથી પણ લોકો બહાર આવી રહયા છે શિક્ષણનું સ્તર સુધરતા જ સામાજીક બદલાવ આવી રહયો છે અને તેના માટે સમાજના જ આગેવાનો ભારે મહેનત કરી રહયા છે
આજે તમામ સમાજના લોકો પોતાના સમાજના વિકાસ માટે જુદા જુદા સંગઠનો બનાવી સમાજ ઉપયોગી કામો કરી રહયા છે. ત્રણ દિવસ પહેલા ઠાકોર ક્ષત્રિય સમાજના બાર ગામના લોકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા આ તમામ નિર્ણયો સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે અને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે
શિક્ષિત લોકો દ્વારા બનાવાયેલા આ નિર્ણયોની ભવિષ્યમાં સારી અસર પડવાની છે આ તમામ ગતિવિધિ વચ્ચે ગઈકાલ સાંજથી જ ભાજપના રાજયસભાના સભ્ય જુગલજી ઠાકોર દ્વારા સ્થપાયેલા અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ વિવાદમાં આવ્યા છે.
અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરના ફેસબુક એકાઉન્ટ ઉપર એક વિવાદિત પોસ્ટ ફરતી થઈ હતી ફેસબુક એકાઉન્ટમાં સમાજના અનેક આગેવાનો અને યુવકો જાડાયેલા છે આ ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સમાજની દિકરી બીજા સમાજના યુવક સાથે લગ્ન કરે તો તેને દુધ પીતી કરો.
આ પોસ્ટથી સમાજના આગેવાનો અને યુવાનોમાં રોષ ફેલાયો છે અને પોસ્ટમાં સમાજના જ લોકો આકરી ટીકા સાથે પોતાનો ભાવ વ્યકત કરી રહયા છે. ગણતરીના કલાકોમાં જ આ પોસ્ટ પર ઉગ્ર ટીકાઓ થવા લાગતા તાત્કાલિક નવઘણજી ઠાકોરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું જેના પરિણામે સવારે તેમણે આ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી.
વિવાદિત પોસ્ટ અંગે ખબર પડતાની સાથે જ આ પોસ્ટને ડીલીટ કર્યાં બાદ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ સતત સમાજ ઉપયોગી કાર્યક્રમોમાં વ્યસ્ત હતા અને તેમનો ફોન અન્ય કોકની પાસે હતો
જેનો ગેરલાભ કોઈ શખ્સે ઉઠાવ્યો છે અને તેના ફેસબુક એકાઉન્ટ પર આ પોસ્ટ બારોબાર મુકી દીધી છે અને ખબર પડતા જ તેમણે આ પોસ્ટ ડીલીટ પણ કરી નાંખી છે. ચોંકાવનારી બાબત એ છે કે સોશિયલ મીડીયામાં ડીલીટ કરાયેલી પોસ્ટના સ્ક્રીન શોર્ટ ફરી રહયા છે અને તેની સામે ઉગ્ર પ્રતિક્રિયા વ્યકત કરવામાં આવી રહી છે.
અખિલ ઠાકોર એકતા સમાજના પ્રમુખના ફેસબુક એકાઉન્ટ પર મુકાયેલી આ વિવાદિત પોસ્ટના પગલે ભારે હોબાળો મચી ગયેલો છે જાકે નવઘણજી ઠાકોર પોતે આ અંગે કશું જાણતા નહી હોવાનું જણાવ્યું છે તો બીજી બાજુ આ પોસ્ટથી ભારે વિવાદ સર્જાતા હવે આ અંગે કાનૂની રાહે કાર્યવાહી કરવા માટે સમાજના આગેવાનો વિચાર વ્યકત કરી રહયા છે
આ પોસ્ટ કોણે મુકી ક્યારે મુકાઈ તે અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે જાકે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. નવઘણજી ઠાકોર પોતે પણ આ પોસ્ટથી દુઃખ વ્યકત કરી રહયા છે અને તેમનો મોબાઈલ ફોન કોની પાસે હતો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે
અન્ય કોઈ શખ્સે પોતાનો ફોન મેળવી પોસ્ટ કરી હોવાનો નવઘણજીનો આરોપ ઃ સમાજના આગેવાનોએ પોસ્ટની વિરૂધ્ધમાં ઉગ્ર પ્રતિક્રિયા આપી |
જાકે તપાસના અંતે જ હકીકતમાં આ પોસ્ટ કોણે મુકી છે તેની સાચી હકીકત બહાર આવશે. એક બાજુ સમાજના નાગરિકોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહયા છે ત્યારે બીજીબાજુ આવી હલકી માનસિકતાવાળી પોસ્ટ ફેસબુક પર વાયરલ થતાં જ ઠાકોર સમાજના આગેવાનોએ આ પોસ્ટને સમાજ વિરોધી ગણાવી ઉગ્ર પ્રતિક્રિયા આપી છે અને આ મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વિચારણા શરૂ કરી દેવામાં આવી છે આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.