બીજી ઈમ્પેકટના અમલ દરમિયાન ૮પ૦૦ કરતા વધુ ગેરકાયદેસર બાંધકામ થયા હતા
આગામી સપ્તાહમાં રાજય સરકાર ચોક્કસ નીતિ જાહેર કરે તેવી શક્યતા
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી ફયાર એન.ઓ.સી. અને વેલીડ બી.યુ. મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ તંત્રએ ચાર હજાર કરતા વધુ નાની-મોટી મિલ્કતો સીલ કરી છે જેના કારણે કોરોના કાળમાં આર્થિક રીતે પાયમાલ થયેલા વેપારીઓને વધુ એક કારમો ફટકો લાગ્યો છે
જયારે નવા-સવા ચૂંટાયેલા મ્યુનિ. ભાજપના કોર્પોરેટરોએ નાગરીકોને જવાબ આપવા ભારે પડી રહયા છે તેથી મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક સીનીયર કોર્પોરેટરો બે દિવસ અગાઉ ગાંધીનગર દોડી ગયા હતા તેમજ આ ગુંચનો યોગ્ય ઉકેલ લાવવા માટે વિનંતી કરી હતી શહેરમાં જે રીતે સીલીંગ ઝૂંબેશ ચાલી રહી છે તે જાેતા “ઈમ્પેકટ” ને જ અંતિમ ઉપાય નિષ્ણાતો માની રહયા છે જાેકે તેના કારણે ભ્રષ્ટ અધિકારીઓને તો ફાયદો જ થવાનો છે.
જયારે ચોંકાવનારી માહિતી મુજબ ર૦૧ર થી ર૦૧૯ સુધી ઈમ્પેકટ કાયદાના અમલ દરમ્યાન ૮પ૦૦ કરતા વધુ ગેરકાયદેસર બાંધકામો થયા હતાં. ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ બાદ અનઅધિકૃત બાંધકામો સામે એસ્ટેટ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સત્ય હકીકત એ છે કે અનઅધિકૃત બાંધકામો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને રાજકારણીઓની રહેમનજરે થતા રહયા છે.
ર૦૧૧માં પણ હાઈકોર્ટ આકરા પાણીએ થઈ હતી તે સમયે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાંચ લાખ ગેરકાયદેસર બાંધકામ હોવાની એફીડેવીટ આપવામાં આવી હતી. બિલ્ડર લોબી નારાજ ન થાય તેમજ હાઈકોર્ટ સમક્ષ વારંવાર હાજરી આપવી ન પડે તે આશયથી ફેબ્રુઆરી ર૦૧રમાં ઈમ્પેકટ કાયદાની જાહેરાત કરવામાં આવી છે.
જેના સાત વર્ષના અમલ દરમ્યાન તંત્રને માત્ર ર લાખ ૪૩ હજાર અરજી મળી હતી જે પૈકી ૧ લાખ ર૬ હજાર અરજી મંજુર થઈ હતી જયારે ૧,૧૭,૬૦૦ અરજી રીજેકટ કરવામાં આવી હતી. ગુડા એક્ટ મુજબ રીજેક્ટ કરવામાં આવેલી તમામ અરજીઓ સામે કાર્યવાહી કરવાની થતી હતી પરંતુ ક્યાંક રૂપિયા તો ક્યાંક વોટ બેન્કની લાલસાએ આવી કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. જેના કારણે ભૂમાફીયાઓને મોકળુ મેદાન મળી ગયુ હતું.
એક અંદાજ મુજબ શહેરમાં છેલ્લા એક દાયકા દરમ્યાન ગેરકાયદેસર બાંધકામોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. મ્યુનિ. રીઝર્વ પ્લોટ કે સરકારી જમીન પર ના દબાણો સામે પણ તંત્ર અને રાજકારણીઓ દ્વારા કાર્યવાહી થતી નથી. શરમજનક બાબત એ છે કે ઈમ્પેક્ટના સાત વર્ષના અમલ દરમ્યાન જ ૮૬૦૦ ગેરકાયદેસર બાંધકામ થયા હતા જે તંત્ર ના ચોપડે નોંધાયા હતા જયારે વાસ્તવિક સંખ્યા વધારે હોવાનું અનુમાન છે.
કટ ઓફ ડેઈટ બાદ ના અનેક બાંધકામોને ઈમ્પેકટ અંતર્ગત બી.યુ. પણ આપવામાં આવી છે. પૂર્વ, મધ્યઝોન અને દક્ષિણ ઝોનમાં આવા કેસ વધારે હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગના સુત્રોએ ર૮ માર્ચ ર૦૧૧થી ૩૧ માર્ચ ર૦૧૮ સુધી મતલબ કે ઈમ્પેકટની અવધિ દરમ્યાન શહેરમાં પરવાનગી વગર ૮૬૩૩ બાંધકામો થયા છે. જેમાં સૌથી વધુ ૧૯૬૧ ગેરકાયદેસર બાંધકામ પૂર્વઝોનમાં અને સૌથી ઓછા ૯૧૧ બાંધકામ પશ્ચિમ ઝોનમાં થયા હતા.
મધ્યઝોનમાં ૧પ૭૮ અનઅધિકૃત બાંધકામો થયા હતા જયારે આ સમયગાળા દરમ્યાન મધ્યઝોનમાં માત્ર ૧૮૭ બાંધકામ તોડવામાં આવ્યા હતા જયારે ર૯૦ બાંધકામોને સીલ મારવામાં આવ્યા હતા તેમજ ૪૯૪ બાંધકામ મામલે કોર્ટ કાર્યવાહી થઈ હતી કાયદાની મુદત દરમ્યાન પશ્ચિમ ઝોનમાં ૩૦૦, પૂર્વઝોનમાં રપ૮, દક્ષિણ ઝોનમાં ૩૯ર અને ઉત્તરઝોનમાં પણ ૩૯ર બાંધકામો સામે અમલ થયા હતા.
મ્યુનિ. કોર્પો. દ્વારા જે સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેના કારણે મ્યુનિ. ભાજપમાં પણ સન્નાટો વ્યાપી ગયો છે તથા આ મામલે રાજય સરકારને દરમિયાનગીરી કરવા જણાવ્યું છે. જાણકારોના મંતવ્ય મુજબ સરકાર આગામી સપ્તાહમાં કોઈ ચોક્કસ નીતિ જાહેર કરી શકે છે.