બીજી ઓગસ્ટે સંવેદના દિન અંતર્ગત રાજ્યભરમાં યોજાશે ૫૦૦ જેટલા સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા હોઈ આ સુશાસન કાળમાં થયેલ કામગીરીનો વ્યાપ વધારવા અને વિવિધ જનહિતકારી યોજનાઓ માટે નાગરિકોને જાેડીને વિવિધ કાર્યક્રમોનું તારીખ ૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ દરમિયાન આયોજન કરાયું છે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આગામી બીજી ઓગસ્ટના રોજ ‘‘સંવેદના દિન’’ નિમિત્તે રાજયભરમાં ૫૦૦થી વધુ સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે. જેમાં પ્રત્યેક તાલુકા અને નગરપાલિકા દીઠ એક-એક તથા મહાનગરપાલિકા કક્ષાએ પ્રત્યેક ઝોન દીઠ એક વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની ૫૭ જેટલી સેવાઓ નાગરિકોને તે જ દિવસે મળી જાય એવું આયોજન છે. આ કાર્યક્રમો સવારે ૯.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી યોજાશે. જેમાં સવારે ૯ થી ૧૧ દરમિયાન અરજદારો પાસેથી રજૂઆતો અને પુરાવાઓ મેળવાશે. ૧૧.૦૦ થી ૨.૦૦ દરમ્યાન સ્થળ પર કાગળોની ચકાસણી/તપાસ કરાશે અને ૩.૦૦ થી ૫.૦૦ દરમિયાન અરજદારોને તેમણે કરેલ રજૂઆતોના આખરી નિકાલની જાણ કરાશે.
આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય વહીવટ વિભાગ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ, ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, મહેસૂલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા બાળ વિકાસ વિભાગ અને શ્રમ રોજગાર વિભાગ હસ્તકની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ મળતા લાભોની સેવાઓ પૂરી પાડવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.