બીજી ટી૨૦માં ભારતનો ૪ વિકેટે પરાજય, આફ્રિકા સિરીઝમાં ૨-૦થી આગળ
કટક, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી૨૦ સિરીઝના બીજા મુકાબલામાં આફ્રિકાએ ભારતને ૪ વિકેટે પરાજય આપી શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે.
કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી૨૦માં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૮ રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકાએ ૧૮.૨ ઓવરમાં ૬ વિકેટે ૧૪૯ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી.
ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સ (૪) ને બોલ્ડ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ભુવીએ પોતાની બીજી ઓવરમાં પ્રિટોરિયસ ૪ને આવેશ ખાનના હાથે કેચઆઉટ કરાવી આફ્રિકાને બીજાે ઝટકો આપ્યો હતો. પ્રથમ મેચનો હીરો રાસી વાન ડર ડુસેન માત્ર ૧ રન બનાવી ભુવીનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં ભુવીએ ૩ ઓવરમાં ૧૦ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
૨૯ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન બવુમા અને હેનરિક ક્લાસેને ઈનિંગ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી કરી હતી. બવુમા ૩૦ બોલમાં ૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૩૫ રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો.
આ સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા હેનરિક ક્લાસેને પોતાના ટી૨૦ કરિયરની ચોથી અડધી સદી ફટકારી હતી. ક્લાસેને ૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૫ છગ્ગાની સાથે શાનદાર ૮૧ રન બનાવ્યા હતા. ક્લાસેન હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો.
ડેવિડ મિલર ૨૦ રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ૪ ઓવરમાં ૧૩ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય હર્ષલ પટેલ અને ચહલને એક-એક સફળતા મળી હતી.
બીજી ટી૨૦માં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર રુતુરાજ ગાયકવાડ પ્રથમ ઓવરમાં રબાડાનો શિકાર બન્યો હતો. ગાયકવાડ ૧ રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં ૧ વિકેટે ૪૨ રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાને ઈશાન કિશન (૩૪) ના રૂપમાં બીજાે ઝટકો લાગ્યો હતો. કિશન ૨૧ બોલમાં ૩ સિક્સ અને ૨ ચોગ્ગા સાથે ૩૪ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રિષભ પંત માત્ર ૫ રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં મોટો શોટ્સ ફટકારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો હતો. શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ૪૦ રન બનાવ્યા હતા. અય્યર ૩૫ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી પ્રિટોરિયસની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતીય ટીમે ૯૦ રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા ૯ રન બનાવી પાર્નેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ અક્ષર પટેલ માત્ર ૧૦ રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. અંતમાં દિનેશ કાર્તિકે ૨૧ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૩૦ અને હર્ષલ પટેલ ૧૨ રન બનાવી અણનમ રહ્યા હતા.
આફ્રિકા તરફથી નોર્ત્જેએ ૪ ઓવરમાં ૩૬ રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય રબાડા, પાર્નેલ, પ્રિટોરિયસ અને મહારાજને એક-એક વિકેટ મળી હતી.HS1MS