બીજી મેચમાં ભારત કીવી સામે ૬૨ રને હારી ગયું
કિંગ્સ્ટન, આઈસીસીમહિલા વિશ્વ કપ ૨૦૨૨ માં, ભારતીય મહિલા ટીમને તેની બીજી લીગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ બીજી મેચમાં કિવી ટીમે તેને પરાજય આપ્યો હતો.
આ મેચમાં ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૬૦ રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે ૨૬૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મિતાલી રાજની આગેવાની હેઠળની ભારતીય ટીમ ૪૬.૪ ઓવરમાં ૧૯૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ૬૨ રનથી હારી ગઈ હતી. ભારત તરફથી હરમનપ્રીત કૌરે ૭૧ રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શકી નહોતી.
ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને સુઝી બેટ્સ માત્ર ૫ રન બનાવીને રનઆઉટ થઈ ગઈ હતી. આ પછી કેપ્ટન સોફી ડિવાઈન ૩૫ રન બનાવી પૂજાનો પહેલો શિકાર બની હતી. આ પછી અમેલિયા કેરે ૫૦ રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તેને રાજેશ્વરી ગાયકવાડે આઉટ કરી દીધી હતી.
મેડી ગ્રીનને માત્ર ૨૭ રનના સ્કોર પર દીપ્તિ શર્માએ પેવેલિયન મોકલી હતી, જ્યારે એમી સેટરથવેટે ટીમ માટે ૭૫ રનનું જબરદસ્ત યોગદાન આપ્યું હતું, પરંતુ તે પૂજાના બોલ પર મિતાલીના હાથે કેચ થઈ ગઈ હતી. ત્યારપછી ટીમ માટે કેટી માર્ટિને ૪૧ રન બનાવ્યા અને ઝુલન ગોસ્વામીના હાથે તેની ઇનિંગનો અંત આવ્યો. ભારત તરફથી પૂજાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી જ્યારે રાજેશ્વરી ગાયકવાડે બે અને ઝુલન ગોસ્વામી અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.SSS