બીજી લહેર બાદ લોકો ઈમર્જન્સી માટે બચત કરે છે
અમદાવાદ: કોરોના મહામારીના કારણે લોકોને આર્થિક ફટકો પડ્યો છે. પરિણામે ખરીદશક્તિ ઘટી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં સોનાની માગમાં ૭૩ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ એર ગો કોમ્પ્લેક્સના ડેટા મુજબ, જૂન ૨૦૨૧માં માત્ર ૦.૮૫ મેટ્રિક ટન સોનું આયાત કરવામાં આવ્યું, જ્યારે જૂન ૨૦૨૦માં ૩.૨૯ મેટ્રિક ટન સોનાની આયાત થઈ હતી.
જ્વેલર્સનું માનીએ તો, સમય પર મૂકાયેલા પ્રતિબંધ અને ગ્રાહકોના ઘટેલા વિશ્વાસને કારણે સોનાની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જ્વેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદના પ્રમુખ જીગર સોનીએ કહ્યું, “આખા જૂન મહિના દરમિયાન માગમાં વધારો ના થયો કારણકે બીજી લહેરે લોકોની ખરીદશક્તિ નબળી પાડી છે. વેપાર-ધંધા માંડ પાટા પર ચડી રહ્યા તે બંધ કરવા પડ્યા તેમજ સ્ટાફની છટણી અને બિનઉપયોગી ક્ષમતા જેવા વિષચક્રમાં ફસાઈ ગયા. ઉપરાંત લગ્ન પ્રસંગો પણ ઓછા થઈ જતાં સોનાના દાગીનાની માગ ઘટી ગઈ.”
ઈન્ડસ્ટ્રીના પ્લેયર્સનું કહેવું છે
સોનાના નીચે જતાં ભાવના કારણે બુલિયનની માગમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાાયો છે. છેલ્લા પખવાડિયાથી ૧૦ ગ્રામ સોનાના ભાવ ૫૧,૦૦૦ રૂપિયાની આસપાસ હતા જે ગુરુવારે ઘટીને ૪૮,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયા છે. સોનામાં રોકાણ લોકો માટે પણ ગોલ્ડની ઘટતી કિંમત અવરોધક સાબિત થઈ છે. સાથે જ સોનાના ઘરેણાંની માગ વધારવામાં પણ નિષ્ફળ રહી છે, તેમ અમદાવાદના એક જ્વેલરે જણાવ્યું.
વિશ્લેષકોના મત પ્રમાણે, લોકો હાલ ખોટા ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે. ખાસ કરીને, કોરોનાની ભયાવહ બીજી લહેરના સાક્ષી બન્યા પછી મેડિકલ ઈમર્જન્સી માટે રૂપિયા બચાવી રહ્યા છે. પરિણામે ગોલ્ડ અને જ્વેલરી બંનેની માગને ફટકો પડ્યો છે.
જાેકે, ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં પ્રથમ ત્રિમાસિક ગાળો થોડો સારો હતો. જાેકે, આનું મુખ્ય કારણ એ છે કે, ગત વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકડાઉનના કારણે માગ સાવ ઠપ થઈ હતી.