Western Times News

Gujarati News

બીજું શૈક્ષણિક વર્ષ શરૂ તો થયું પરંતુ પુસ્તકો નથી મળ્યા

Files Photo

અમદાવાદ, દિવાળી વેકેશન ખતમ થયાના બીજા જ દિવસથી એટલે કે ૨૨ નવેમ્બરથી સ્કૂલો તો શરૂ થઈ ગઈ પરંતુ વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે? કારણ કે, ઘણી સ્કૂલો એવી છે જ્યાં પુસ્તકો હજી પહોંચ્યા નથી. પાઠ્‌ય પુસ્તક મંડળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તકો મળ્યા ન હોવાથી વાલીઓ અને એસવીએસ કન્વીનરોને મુશ્કેલીઓ પડી રહી છે.

ત્યારે બોર્ડના વાલી મંડળના સભ્ય ધીરેન વ્યાસે આ અંગે પુસ્તક મંડળના નિયામકને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં બીજું સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં પુસ્તકો ન મળ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પાઠ્‌ય પુસ્તકો નથી મળ્યા તેમાં ધોરણ ૧૦ના ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે.

ધીરેન વ્યાસે પત્રમાં પુસ્તક વિતરણ વખતે સ્કૂલોમાં ઘોઘાંટ અને સ્ટાફ પુસ્તક વિતરણમાં રોકાતા અભ્યાસ પર અસર થતી હોવાનું પણ કહ્યું હતું.

આ સિવાય તેમણે પુસ્તક વિતરણ વખતે બે-બે વર્ગના વિદ્યાર્થીઓને એક જ ક્લાસમાં બેસાડાતા હોવાથી તેની વિપરિત અસર ભણતર પડતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પુસ્તકોને લઈને માત્ર વાલીઓ જ નહીં પરંતુ એસવીએસના કન્વીનરોને પણ પ્રશ્નો થતાં હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો હતો.

જેમાં શાળામાં ક્લાર્ક, પટ્ટાવાળાની અછત હોવાથી શૈક્ષણિક સ્ટાફને કાર્યમાં જાેડવા પડે છે. શાળા અને આસપાસ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી પુસ્તક વિતરણ વખતે અગવડતા પડે છે, તેમ જણાવાયું હતું. ડિલિવરી મેમો અને આવેલા પુસ્તકો વચ્ચે વિસંગતતા હોવાથી અમુક વિષયોના પુસ્તકોમાં ઘટ પડતી હોવાનું તેમજ વધેલા પુસ્તકો મંડળ પરત ન લઈ જતું હોવાનું કહેવાયું હતું.

પુસ્તક મંડળ તરફથી માગ મુજબના પુસ્તકોની ડિલિવરી એક સાથે કરવાના બદલે બે કે તેથી વધારે રાઉન્ડમાં કરવામાં આવતી હોઈ મુશ્કેલીઓ પડતી હોવાની રજૂઆત પત્રમાં કરવામાં આવી હતી. પત્રમાં દરેક માધ્યમના પુસ્તકો એક સાથે જ નવા સત્રની શરૂઆત પહેલા સ્કૂલોને મળી જાયે તેવું આયોજન કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.