બીજેપી પાર્ટીએ નવા રાજ્ય પ્રભારીઓની યાદી જાહેર કરી
નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના નવા પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મહાસચિવ રામ માધવ અને અનિલ જૈનને કોઈ પણ પ્રદેશનો કાર્યભાર સોંપવામાં આવ્યો નથી. જ્યારે પૂર્વ મહાસચિવ મુરલીધર રાવને મહત્વપૂર્ણ એવા મધ્ય પ્રદેશ રાજ્યનો પ્રભાર આપવામાં આવ્યો છે. નવા પ્રભારીઓની જાહેરાતમાં મહાસચિવ ભૂપેન્દ્ર યાદવને એકવાર ફરીથી ગુજરાત અને બિહારના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
જ્યારે બીજા મહાસચિવ અરુણ સિંહ પાસેથી ઓડિશાનો પ્રભાર તો લઈ લેવાયો પરંતુ તેમને કર્ણાટક અને રાજસ્થાન જેવા મહત્વના રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પાર્ટી શાસિત હરિયાણાનો પ્રભાર અત્યાર સુધી અનિલ જૈન સંભાળતા હતા. પરંતુ હવે આ જવાબદારી મહારાષ્ટ્રના કદાવર નેતા વિનોદ તાવડેને અપાઈ છે. પાર્ટી માટે હાલ રાજકીય હલચલને લઈને જો સૌથી મહત્વનું રાજ્ય હોય તો તે છે પશ્ચિમ બંગાળ.
જેપી નડ્ડાએ એકવાર ફરીથી બંગાળનો પ્રભાર પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે સોંપ્યો છે. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે અને ગૃહમંત્રી અમિત શાહ પોતે બંગાળ પર નજર રાખી રહ્યા છે. કૈલાશ વિજયવર્ગીયએ હાઈકમાનની રણનીતિના અમલીકરણમાં કોઈ કસર છોડી નથી.
એ જ રીતે ભાજપ શાસિત સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો પ્રભાર પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહને સોંપવામાં આવ્યો છે. તેમની સાથે ૩ સહપ્રભારી રહેશે. સુનીલ ઓઝા, સત્યાકુમાર અને બિહારથી ધારાસભ્ય સંજીવ ચૌરસિયા. આ વખતે દિલ્હીના પ્રભારી જેમને બનાવવામાં આવ્યા છે તેઓ પહેલા બીજેડીમાં હતા. ભાજપ ઉપાધ્યક્ષ વિજયંત પાંડાને દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પાંડાને આસામની પણ જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીના વધુ એક મહાસચિવ દુષ્યંત ગૌતમને પંજાબ, ચંડીગઢ અને ઉત્તરાખંડના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
પંજાબમાં અકાલી દળથી અલગ થયા બાદ પાર્ટીને સમગ્ર રાજ્યમાં સંગઠન મજબૂત કરવાની તક મળી છે. હવે આ કામ દુષ્યંત માટે પડકારજનક રહેશે. હાલમાં થયેલી પેટાચૂંટણીમાં તેલંગણામાં સારા પરિણામ આવ્યા છે. હવે આ રાજ્યના નવા પ્રભારી છે પાર્ટી મહાસચિવ તરુણ ચુગ. તેમની પાસે લદાખ અને જમ્મુ કાશ્મીરનો પણ પ્રભાર રહેશે. જમ્મુ અને કાશ્મીરને અત્યાર સુધી રામ માધવ જોતા હતા. પરંતુ નડ્ડાની નવી ટીમમાં તેમને જગ્યા નથી મળી. નડ્ડાની ટીમમાં પહેલીવાર રાષ્ટ્રીય પટલ પર આવેલા પાર્ટી મહાસચિવ સીટી રવિને ૩ રાજ્યોની મહત્વપૂર્ણ જવાબદારી મળી છે.