બીમારીનું બહાનુ કરી નવાજ દેશમાંથી ભાગી છૂટ્યા: ઇમરાન
ઇસ્લામાબાદ,પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફની બીમારી પર ટીપ્પણી કરતા જણાવ્યું કે તેઓ બીમારનું બહાનુ કરીને વિદેશ ભેગા થઇ ગયા. ઇમરાને જણાવ્યું કે, તેઓ 19 નવેમ્બરે જ્યારે ખાસ એર એમ્બ્યુલન્સમાં લંડન માટે જઇ રહ્યા ત્યારે તેમને જોઇને લાગતુ ન હતું કે તેઓને 15 પ્રકારની બીમારીઓ છે.
પંજાબ પ્રાંતમાં એક જનસભા સંબોધતા તેમણે જણાવ્યું કે, નવાજની મેડિકલ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે તેમને હાર્ટ, કિડની અને ડાયાબિટીસની બીમારી છે અને તેમને વિદેશ સારવાર માટે મોકલવામાં ન આવ્યા તો તેમની નિધન થશે. તેમણે ટિપ્પણી કરી હતી કે, પ્લેનની લક્ઝરી હતી કે લંડનની હવા, જે કંઇપણ હોય એ કામ કરી ગઇ. આ મામલાની તપાસ જરુરી છે કારણ કે તેમના રિપોર્ટમાં બીમારીઓનો ઉલ્લેખ થયો હતો, પરંતુ તેઓ પ્લેનમાં જે ઝડપથી ચડ્યા હતા તે શંકાસ્પદ છે. ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બરે સ્પેશિયલ એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને લંડન સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ પહેલા ઇમરાન સરકારે નવાજને સારવાર અર્થે બ્રિટન જવા માટે 700 કરોડ રુપિયાના બોન્ડ જમા કરવાની શરત મૂકી હતી. નવાજ આ મામલે લાહોર કોર્ટમાં ગયા હતા અને નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હતો.