બીલીમોરામાં ડીસ્કો રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ
ચીખલીમાં પણ રસ્તા તૂટતાં લોકો ત્રાહિમામ-બિલીમોરાના મુખ્ય રેલવે ક્રોસિંગનો રસ્તો પસાર કરતા વાહન ચાલકોના હાડકાં તૂટી જાય છે
બીલમોરા, બીલીમોરાની મુખ્ય રેલવે ક્રોસિંગ નંબર ૧૦૮નો પશ્ચિમ તરફનો રસ્તો એટલી બધી હદે ભંગાર અને બિસ્માર થઈ ગયો છે કે તેને પસાર કરતા તો જાણે કે ચંદ્ર ભૂમિના રસ્તાની સહેલગાહે નીકળ્યા હોય તેવો અનુભવ થાય છે.
બીલીમોરા શહેર પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચાયેલું છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી રેલવે અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાવાને લીધે લોકોએ અવરજવર કરવા માટે આ મુખ્ય એવી રેલવે ક્રોસિંગ નંબર ૧૦૮ અને ચિમોડીયા નાકાની ૧૦૯ રેલ્વે ક્રોસિંગ પર જ આધાર રાખવો પડે છે. પણ મુખ્ય રેલવે ક્રોસિંગનો રસ્તો એટલી બધી હદે બિસ્માર થઈ ગયો છે કે તેને પસાર કરતા વાહન ચાલકોના હાડકાંનો ભૂકો બોલી જાય છે. આ રસ્તાની જાળવણી કરવાની જવાબદારી રેલવેની છે જેમાં નગરપાલિકા મદદરૂપ બને છે પણ પાલિકાએ થોડા દિવસો પહેલા દેખાવ પૂરતો રસ્તો સરખો કર્યો હતો પણ એક કે બે દિવસ પછી ફરી રસ્તાના બૂરા હાલ થઈ ગયા છે.
અહીંથી શાળાએ જતા નાના બાળકોની રીક્ષા, બસ સિવાય નોકરિયાતો, સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સમાં જતા દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને ધંધાર્થે જતા અસંખ્ય લોકો માટે આ રસ્તો અભિશાપ બની ગયો છે. આ રેલવે ક્રોસિંગના રસ્તા પર કામ ચલાવ માટી નંખાઈ છે પણ ભારે ટ્રાફિકને લીધે માટી નાંખ્યા પછી પણ રસ્તો નકામો થઈ જાય છે. વાહનચાલકો પગપાળા જતાં રાહદારીઓ પણ આ ભંગાર બની ગયેલા રસ્તાથી તોબા પોકારી ઉઠયા છે.