બી.જે. મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીઓને રહેવા આપેલા રૂમોનું ભાડુ અપૂરતું ચૂકવાયાનો આક્ષેપ
દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશને રૂમો ભાડે આપ્યા હતા
(પ્રતિનિધિ) અમદાવાદ, બી.જે. મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની હોસ્ટેલ જર્જરિત થઈ જતા તેમને ભાડેથી રૂમો રહેવા આપનાર દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન માનવ સેવા મંદીર અસારવા કફોડી હાલતમાં મુકાઈ ગયું છે.
ભાડાની રકમ પણ સરકાર તરફથી પૂરતી મળતી નથી અને જે રકમ આપવામાં આવે છે તે મૌખિક કરાર અન્વયે પૂરતી નહી હોવાનો દાવો પત્રકાર પરિષદમાં સંસ્થાના આગેવાનોએ કર્યો હતો.
આ અંગે પત્રકાર પરિષદમાં સમગ્ર માહિતી આપતા દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન લાયન ક્રિષ્ણકુમાર શાહ તથા અગ્રણી હરજીંદર સબરવાલે જણાવ્યુ હતું કે બી.જે. મેડીકલ કોલેજમાં યુ.જી.માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સંબંધિત સત્તાવાળાઓ સાથે મૌખિક કરારના આધારે રૂ.૪૦૦ના ભાડાથી રૂમો આપવામાં આવી હતી.
આ રૂમોમાં રૂમદીઠ બે વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે અંદાજે ૮૪ રૂમ ફાળવવામાં આવ્યા હતા જેના પેટે અત્યાર સુધીમાં લગભગ ૪૮ લાખ રૂપિયા રકમ થઈ ગઈ છે જે પરત ન કરાતા સરકારમાં તમામ સ્તરે રજુઆત કરાઈ હતી.
પરંતુ સરકારમાંથી રૂમની વિદ્યાર્થીની દીઠ રૂ.૧૦૦ ગણીને રૂ.ર૦૦ લેખે માત્ર રૂ.૧૬ લાખ આપ્યા હતા જેનો સંસ્થાએ અસ્વીકાર કરીને પરત કર્યા હતા. સંસ્થાના ભાડાપેટે નીકળતા લેણાના રૂ.૪૮ લાખ પુરેપુરા પાછા આપવા સંસ્થા તરફથી માંગણી કરાઈ છે.
જાે આ સંદર્ભમાં માંગણીનો સ્વીકાર નહી કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વિચારણા કરવામાં આવશે. છેલ્લા પ૦ વર્ષથી દર્દી અને તેના સગાવ્હાલાઓની અવિરત સેવા કરતી સંસ્થાની ભાડાની રકમ પરત મળે તેવી લાગણી વ્યકત કરવામાં આવી હતી.