Western Times News

Gujarati News

બી.બી.એ.ની ૨૦ વર્ષીય વિદ્યાર્થિની કૃપા ગજ્જરે ૬ દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી

સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને સર્વોત્કુષ્ટ સેવા સારવાર એ પણ નિ: શુલ્ક દરે આપવામાં આવી રહી છે: કૃપા ગજ્જર

સુરત:  દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. બીજી લહેરમાં યુવા પેઢી પણ કોરોનાથી સંક્રમિત થઈ રહી છે. નવી સિવિલ હોસ્પિટલના કોરોના યોદ્ધાઓ દિવસ-રાત મહેનત કરીને દર્દીઓને સ્વસ્થ કરીને ઘરે સુખરૂપ પહોંચાડી રહ્યા છે. અડાજણમાં રહેતા બી.બી.એ.ની ૨૦ વર્ષીય વિદ્યાર્થિની કૃપાબેન અલ્પેશભાઈ ગજ્જર નવી સિવિલમાં ૬ દિવસની સઘન સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે. તેઓને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી.

કૃપાબેન હાલ અડાજણની ચંદ્રકાંત સોસાયટીમાં રહે છે. તેમણે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જણાવ્યું કે, ’૧૧ એપ્રિલે જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી, ત્યારે મને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હતી. ઓક્સિજન લેવલ ૭૫ ટકા હતું. હોસ્પિટલ દ્વારા મારી શારીરિક સ્થિતિ મુજબ તરત જ મારી ટ્રીટમેન્ટ શરૂ કરી.

મને ૨ દિવસ સુધી આઈસીયુમાં વેન્ટીલેટર સપોર્ટ પર રખાઈ હતી. ત્યારબાદ સ્થિતિમાં સુધારો આવતા ઓક્સિજન પર રાખવામાં આવી હતી. ૧૫-૨૦ મિનીટનાં અંતરે ડોકટરો રૂટીન ચેકઅપ માટે આવતા અને મને સ્વસ્થ કરવા માટે અવનવું મોટીવેશન આપતા હતા.

મારી સારવારમાં ડો. સંદિપભાઈએ નાની બહેનની જેમ ખૂબ ધ્યાન રાખ્યું હતું. ડોકટરો અને સ્ટાફના ઉત્સાહભર્યા શબ્દોથી મારી હિંમત ખૂબ વધી હતી. ઉપરાંત હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ સમયસર દવા અને ભોજન પૂરું પાડતા હતા. તા.૧૬મી એપ્રિલે મારુ સ્વાસ્થ્ય પૂર્વવત થઈ જતા રજા આપવામાં આવી હતી.’

કૃપાએ વધુમાં કહ્યું કે, ‘હું સિવિલ હોસ્પિટલની, મેડિકલ સ્ટાફની, ડોકટરોની આભારી છું કે તેમણે મને આટલી ઉત્તમ સેવા સારવાર આપી. લોકોએ સિવિલ હોસ્પિટલ વિષે મનમાં કોઈ પણ શંકા કે નેગેટીવ વિચારો નહિ રાખવા જોઈએ. કારણ કે અહી દર્દીઓને સર્વોત્કુષ્ટ સેવા એ પણ નિ: શુલ્ક દરે આપવામાં આવી રહી છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.