Western Times News

Gujarati News

‘બુંદીઃ વિસરાઈ ગયેલી રાજપૂત રાજધાનીના સ્થાપત્યના વારસા’ પર વેબિનારનું આયોજન કર્યુ

પ્રવાસન મંત્રાલયની “બુંદીઃ આર્કિટેક્ચરલ હેરિટેજ ઓફ એ ફરગોટન રાજપૂત કેપિટલ” એટલે કે “બુંદીઃ વિસરાયેલી રાજપૂત રાજધાનીનું સાંસ્કૃતિક સ્થાપત્ય” નામની દેખો અપના દેશ વેબિનાર સીરિઝ 24 ઓક્ટોબર, 2020ના રોજ પ્રસારિત થઈ હતી, જેમાં રાજસ્થાનના ઐતિહાસિક નગર બુંદી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

મધ્ય ભારતના સત્તાના કેન્દ્રોના પડછાયામાં અત્યારે નાનાં ઐતિહાસિક નગરો લગભગ વિસરાઈ ગયા છે. જ્યારે ભારતના દિલ્હી, જયપુર, જેસલમેર, ઉદેપુર, અમદાવાદ, લખનૌ વગેરે જેવા મુખ્ય ઐતિહાસિક સામ્રાજ્યિક અને રજવાડા કેન્દ્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે સમગ્ર ભારતમાં ફેલાયેલા અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા, પ્રવાસીઓ મેળવવા ઇચ્છતાં નાનાં શહેરો અને નગરો ભૂલાઈ ગયા છે, જે હકીકતમાં પ્રવાસીઓ અને અભ્યાસુઓની મુલાકાતની પાત્રતા પણ ધરાવે છે.

બુંદી અગાઉ હાડા રાજપૂતની રાજધાની હતી અને હડૌતી તરીકે ઓળખાતું નગર હતું. આ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં સ્થિત છે. વેબિનારમાં આર્કિટેક્ટ-શહેરી આયોજક, 25 વર્ષથી શહેરી માળખાની ડિઝાઇન અને વિકાસનું આયોજન અને વ્યવસ્થાપન કરવાનો બહોળો અનુભવ ધરાવતા ચારુદત્તા દેશમુખે રજૂઆત કરી હતી.

તેઓ એરપોર્ટ, વિશેષ આર્થિક ઝોન, પરિવહન અને શહેરી નવીનીકરણ, મેટ્રો રેલ, પર્યાવરણની સ્થિરતા અને ઝૂંપડપટ્ટીનું નવીનીકરણ કરવા સહિત વિવિધ પ્રોજેક્ટમાં અનુભવ ધરાવે છે. શ્રી ચારુદત્તા દેશમુખે સ્થાપત્યના વારસાની સંપત્તિની વિસ્તૃત સમજણ પ્રદાન કરી હતી, બુંદીના સ્થાપત્યના વારસાના રચના પાછળના કારણો અને સ્થિતિ, 21મી સદીના પડકારો, એનો ઉપયોગ બુંદી અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના વિકાસ માટે મુખ્ય પ્રેરક પરિબળ તરીકે પણ સમજાવ્યાં હતાં.

બુંદી વાવના શહેર, બ્લૂ સિટી અને છોટી કાશી તરીકે પણ પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયમાં બુંદીની આસપાસના વિસ્તારમાં વિવિધ સ્થાનિક જનજાતિઓ વસતી હોય એવું જણાય છે, જેમાં પરિહાર જનજાતિ, મીણા મુખ્ય હતી. પછી આ વિસ્તારનું શાસન રાવ દેવાએ સંભાળ્યું હતું, જેમણે 1242માં જૈતા મીણા પાસેથી એનો વહીવટ હાથમાં લીધો હતો.

તેમણે આસપાસના વિસ્તારનું નામ બદલીને હરાવતી કે હરોતી રાખ્યું હતું. આગામી બે સદીઓ સુધી બુંદીના હાડા મેવાડના સિસોદિયા શાસકના તાબામાં હતા અને 1569 સુધી રાવનું બિરુદ સાથે શાસન કરતા હતા. વર્ષ 1569માં મુઘલ સમ્રાટ અકબરે રાવ રાજાનું બિરુદ રાવ સુરજન સિંહને આપ્યું હતું, જેમણે રણથંભોર કિલ્લા સાથે આત્મસમર્પણ કર્યું હતું.advt-rmd-pan

ઇ. સ. 1632માં રાવ રાજા છત્તર સાલ શાસક બન્યા હતા. તેઓ બુંદીના સાહસિક, ન્યાયી, સિદ્ધાંતપ્રિય રાજાઓ પૈકીના એક હતા. તેમણે કેશોરાયપાટણમાં કેશવરાવના મંદિરનું અને બુંદીમાં છત્તરમહલનું નિર્માણ કરાવ્યું હતું.

તેમના દાદા રાવ રતન સિંહ પછી તેઓ બુંદીના રાજા બન્યા હતા, કારણ કે તેમના પિતા ગોપીનાથનું મૃત્યુ થયું હતું તેમજ રતન સિંહ હજુ રાજ કરતા હતા. રાવ છત્તર સાલ 1658માં સમુગઢના યુદ્ધમાં હાડા રાજપૂતના સેનાપતિ તરીકે બહાદુરીપૂર્વક લડતા શહીદ થયા હતા, જેમાં તેમની સાથે તેમનો યુવાન પુત્ર ભરત સિંહ રાવ ભાવ સિંહ પણ શહીદ થયા હતા. પછી મોટા પુત્ર છત્તર સાલને બુંદીનું શાસન એમના પિતાના અનુગામી તરીકે મળ્યું હતું.

મુઘલ પછીનો ગાળો વર્ષ 1804માં રાવ રાજા બિશન સિંહે હોલ્કર સામે કર્નલ મોન્સનને કિંમતી સહાય કરી હતી. એનો બદલો લેવા મરાઠા સામ્રાજ્ય અને પિંઢારાઓ સતત એમના રાજ્ય પર આક્રમણ કરતા હતા અને 1817 સુધી ખંડણી આપવી પડી હતી.

પછી બિશનસિંહે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે 10 ફેબ્રુઆરી, 1818ના રોજ એક સંધિ કરી હતી, જેના પરિણામે એમનું રજવાડું બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંરક્ષણમાં આવ્યું હતું. તેમણે બુંદીની બહાર સુખનિવાસન નામનો આનંદદાયક રાજમહેલનું નિર્માણ કર્યું હતું.

મહારાવ રાજા રામસિંહ પ્રજા વચ્ચે અતિ આદર ધરાવતા શાસક બન્યા હતા, જેમણે આર્થિક અને વહીવટી સુધારા શરૂ કર્યા હતા તથા સંસ્કૃતિ ભાષામાં શાળાઓ સ્થાપિત કરી હતી. 68 વર્ષ સુધી શાસન કરનાર રામસિંહ રાજપૂત સજ્જનનું ઉત્તમ ઉદાહરણ ગણાતા હતા અને રૂઢિચુસ્ત રાજપૂતાનામાં સૌથી વધુ પરંપરાને અનુસરનાર રાજપૂત ગણાતા હતા. વર્ષ 1947માં ભારતના વિભાજન સમયે બ્રિટશ સરકારે રજવાડાઓને મુક્ત કરી દીધા હતા,

જેમને સ્વતંત્ર રહેવા અથવા નવા સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવેલા ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની સ્વતંત્રતા આપી હતી. બુંદી રાજ્યના શાસકે ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો, જે પાછળથી ભારત સંઘ બન્યો હતો. એનાથી બુંદીની આંતરિક બાબતો દિલ્હીના નિયંત્રણ હેઠળ આવી હતી. બુંદીના છેલ્લાં શાસકે 7 એપ્રિલ, 1949ના રોજ ભારત સંઘમાં જોડાવા માટે હસ્તાક્ષર કર્યા હતા.

મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ પાસાં

હોડા રાજપૂતો સાહસિક, નિર્ભય લડવૈયા હતા, જેઓ યુવાવસ્થામાં તેમની સ્વતંત્રતા જાળવવા માટે સમર્પણ કરવા તૈયાર રહેતા હતા. આ કારણે ઘણી વાર હોડા બાળકને બુંદીનો તાજ પહેરવામાં આવ્યો હતો. એટલે શાહી મહારાણીની ભૂમિકા અને દાઈ માની કામગીરી બુંદીના શાહી વહીવટી અને રાજકીય બાબતોમાં અતિ મહત્ત્વપૂર્ણ બની ગઈ હતી.

આ રીતે બુંદીનું શહેર તારાગઢ પર્વતની બહાર ફેલાયેલું છે. કિલ્લાની તળેટીમાં નાની વસાહત વિકસી હતી. શાહી રાજમહેલનું સ્થાન તીવ્ર ઢાળ પર હતું, જેના પરથી ઘાટી દેખાતી હતી, જે આસપાસના વિશાળ ગામડાઓનો નજરો પ્રદાન કરે છે. ગઢમહલ મુખ્ય કેન્દ્ર બની ગયો હતો અને નીચેની ઘાટી પરથી બુંદી સામ્રાજ્ય આકાશને સ્પર્શ કરતું હોય એવું લાગતું હતું.

અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન ગઢમહલ રહેવાસીઓ માટે આશ્રયસ્થાન બની જતો હતો અને પર્વતની ટોચ પર તારાગઢ શહેરના સંરક્ષક તરીકે ઊભો હતો. ઘરની બહાર ઉપયોગ થયેલા રંગ વિશિષ્ટ ચમક અને બુંદીની શહેરીઓની જીવંતતા ઊભી કરે છે, જે ભારતમાં જોધપુર સિવાય અન્ય કોઈ પણ સ્થળે જોવા મળતી નથી. બુંદીમાં મોટા ભાગના ઘરોમાં ઉપલા માળો પર કેટલીક બારીઓ સાથે ઝરોખા છે, જેમાંથી શેરીઓ દેખાય છે, પ્રકાશ અને હવાની અવરજવર થાય છે. અવરજવર અને જોડાણની સુવિધા ઉપરાંત આ શેરીઓ કિલ્લાબંધ શહેરનું અભિન્ન અંગ બની ગયેલી શેરીઓના રવેશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે.

બુંદીમાં દરવાજાઓને આ રીતે વર્ગીકૃત કરી શકાશેઃ –

a) સૌથી જૂનાં દરવાજા તારાગઢના પ્રવેશદ્વાર

b) કિલ્લાબંધ શહેરના ચાર દરવાજા

c) શહેરની બહાર દિવાલના દરવાજા

d) કિલ્લાબંધ શહેરની મુખ્ય શેરીઓના દરવાજા

e) નાનાં દરવાજા

કોટવાલી દરવાજા અને નગર પોળનું નિર્માણ કિલ્લાબંધ શહેરની અંદર સદર બજાર શેરી પર થયું હતું.

જળ ધરાવતું સ્થાપત્ય

મધ્યકાળના ભારતીય શહેરનું શ્રેષ્ઠ ઉદાહરણ જળનો સંચય કરવાની પદ્ધતિઓ છે, જે એમાં રહેતા લોકોએ વિકસાવી હતી અને જળ સ્થાપત્યનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. કિલ્લાબંધ શહેરની બહાર બાઓરી અને કુંડના સ્થાન પર સમાજનો પ્રભાવ પણ નોંધપાત્ર હતો, કારણ કે કિલ્લાબંધ શહેરની અંદર બાઓરી અને કુંડની સુવિધા નિયંત્રણ હેઠળ હતી.

બુંદી છોટી કાશી તરીકે પણ પ્રસિદ્ધ હતું, કારણ કે આ હાડા રાજપૂતની રાજધાનીમાં અને એની આસપાસ સેંકડો મંદિર છે. મુઘલ સામ્રાજ્યના તાબા હેઠળ હોવા છતાં હાડા શાસકોએ તેમના હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખવાની સાથે હાડા સામ્રાજ્યના ચાર સદીના શાસનકાળ દરમિયાન મોટી સંખ્યામાં મંદિરોનું નિર્માણ કરીને આ શાસકોએ તેમની હિંદુ સંસ્કૃતિ સાથેનો અવિરત લગાવ પ્રકટ કર્યો હતો.

બુંદીના વિકાસના પ્રારંભિક તબક્કામાં નિર્માણ થયેલા મંદિરો નાગર શૈલીમાં હતાં, ત્યારે પછીના તબક્કામાં નિર્માણ થયેલા નવા મંદિરોમાં નાગર શૈલીની સાથે પરંપરાગત હવેલી સ્વરૂપના સ્થાપત્યનો સમન્વય થયેલો જોવા મળે છે. ત્રીજા પ્રકારના જૈન મંદિરોનું નિર્માણ  અંતર્મુખી સ્વરૂપમાં થયું હતું, જેમાં પ્રવેશદ્વાર પર સર્પીલા તોરણના દરવાજા જેવી જૈન મંદિરોની સામાન્ય ખાસિયત, વિશાળ ષટકોણીય આકાર અને મધ્યમાં મોટું ચોગાન સામેલ છે,

જેમાં એના ગર્ભગૃહો પર નાગર શૈલીના શિખરો જોવા મળે છે. ચોથા પ્રકારના મંદિર ઊંચા કે ઉન્નત મંદિરો સ્વરૂપે વિકસ્યાં હતાં. બુંદીના મંદિરોની ઊડીને આંખે વળગે એવી એક ખાસિયત આટલા મોટા પાયે પર વિવિધતા છે. આ માટેનું કારણ ગાઢ સંબંધ છે. મંદિરોના સ્વરૂપોની વિવિધતા અને એની રચનામાં ઉદારતા અગાઉથી ચાલી આવતી એક શૈલી, સ્થાપિત નિયમોથી અલગ પડે છે, જે સ્થાનિક સમુદાયોની સ્વતંત્રતા અને જોડાણનું પ્રતીક છે.

બુંદીના સાંસ્કૃતિક સ્થાપત્ય વારસાને છ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાશેઃ –

1) ગઢ (કિલ્લો)

તારાગઢ
2) ગઢ મહલ (શાહી નિવાસસ્થાન)

ભજમહલ
છત્તર મહલ
ઉમ્મેદ મહલ
3) બાઓરી (વાવ)

કોજ દરવાજા કી બાઓરી
ભવાદ બાઓરી
4) કુંડ (ટાંકી)

ધાભાજી કા કુંડ
નગર કુંડ અને સાગર કુંડ
રાણી કુંડ
5) સાગરમહલ (લેક પેલેસ)

મોતીમહલ
સુખમહલ
શિખરબુર્જ
6) છત્રી (ખાંભી)

ચૌરાસી
તારાગઢ કિલ્લો – તારાગઢનો કિલ્લાનું નિર્માણ રાવ રાજા બૈર સિંહે ઇ. સ. 1354માં 1426 ફૂટની ઊંચાઈ પર પર્વત પર કર્યું હતું. કિલ્લાના કેન્દ્રમાં ભીમ ભૂર્જ છે, જેના પર એક સમયે ખાસ કરીને મોટી તોપ ગર્ભ ગુંજન કે ‘થંડર ફ્રોમ ધ વોમ્બ’ રાખવામાં આવતી હતી. પોતાના મંડપોની વળાંકદાર છતો, મંદિરના અનેક સ્તંભો તથા હાથી અને કમળની છાપ સાથે રાજમહેલ રાજપૂત શૈલીનો નમૂનો છે. આ કિલ્લામાં હઝારી દરવાજો, હાથી પોળ, નૌધન, રતન દૌલત ખાના, દરિખાના, રતન નિવાસ, છત્રમહલ, બાદલ મહલ અને મોતી મહલ સામેલ છે.

સુખમહલ – નાનો, બે માળનો મહેલ છે, જેમાં અગાઉના શાસકો ઉનાળામાં રહેતા હતા. જૈત સાગર સરોવરના કિનારા પર સ્થિત આ રાજમહેલનું નિર્માણ ઇ. સ. 1773માં રાવ રાજા વિષ્ણુ સિંહે કરાવ્યું હતું.

રાની કી બાઓરી – બુંદીમાં 50થી વધારે વાવ છે અને એટલે જ એને વાવના નગર તરીકે ઓળખવામાં આવે છે. રાનીજી કી બાઓરી ‘મહારાણીની વાવ’ તરીકે પ્રસિદ્ધ પણ છે. આ શહેરની સૌથી વધુ પ્રસિદ્ધ વાવ છે, જેનું નિર્માણ ઇ. સ. 1699માં રાણી નાથાવટીજીએ કરાવ્યું હતું, જેઓ બુંદીના મહારાજા રાવ રાજા અનિરુદ્ધ સિંહના સૌથી નાનાં રાણી હતા. આ બહુમાળી વાવમાં ગજરાજ હાથીની ઉત્કૃષ્ટ કોતરણીઓ છે, જેમાં ગજરાજની સૂંઢો અંદરની તરફ છે, જે એના સ્તંભ પર બાઓરીમાંથી પાણી પીતા હોય એવી છાપ ઊભી કરે છે. એનો ઊંચો કમાનદાર દરવાજો પ્રવાસીઓને આવકારતો હોય એવું જણાય છે.

84 સ્તંભની ખાંભી – નામ મુજબ, 84 સ્તંભ ધરાવતી ખાંભીમાં 84 સ્તંભ છે. બુંદીના મહારાજા રાવ અનિરુદ્ધના આદેશથી બનેલી આ ખાંભીનું નિર્માણ એમની સારસંભાળ રાખનાર દેવા નામની દાઈની સ્મૃતિમાં થયું છે. દેવાના પ્રેમ અને માર્ગદર્શન હેઠળ અનિરુદ્ધ સિંહનો ઉછેર થયો હતો. આ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જેના પ્રભાવશાળી માળખાની શોભા હરણ, હાથી અને અપ્સરાઓની કોતરણી સાથે શોભે છે.

પ્રવાસીઓ માટે બુંદીમાં ઘણા પ્રવાસન સ્થળો છે તેમજ વાજબી બજેટ ધરાવતી ઘણી સારી હોટેલ્સ છે. શાકાહારીઓ દાલ ભાટી અને વિવિધ પ્રકારની તીખી ચટણીઓનો સ્વાદ માણી શકે છે.

વેબિનારના અંતે એડિશનલ ડાયરેક્ટર રુપિન્દર બ્રારએ પ્રવાસ અને પ્રવાસન સ્થળો, આ સ્થળોની વાનગીઓ, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસા પર ભાર મૂક્યો હતો. પ્રવાસન મંત્રાલયના ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ સુવિધાકાર સર્ટિફિકેશન પ્રોગ્રામ પ્રાદેશિક ભાષા પર પકડ ધરાવતા અને કોઈ પણ પ્રકારની કુશળતા ન ધરાવતા સ્થાનિક નાગરિકને તેમના કુટુંબ માટે કમાણી કરતા સભ્યમાં પરિવર્તિત કરી શકે છે. એનાથી નાગરિકોને ભવિષ્યમાં પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ અને સભ્યતા રજૂ કરવામાં મદદ મળશે.

તેમણે રોગચાળા દરમિયાન નીતિનિયમોના સંબંધમાં મહત્ત્વ પર ભાર પણ મૂક્યો હતો, જેમ કે માસ્ક ધારણ કરવા, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું. દેખો અપના દેશ વેબિનાર સીરિઝ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારતના સમૃદ્ધ વારસાને દર્શાવવાના પ્રયાસનો એક ભાગ છે. આ સીરિઝ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ઇગવર્નન્સ વિભાગ સાથે ટેકનિકલ ભાગીદારીમાં રજૂ થાય છે.

વેબિનારના સત્રો હવે https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured પર  ઉપલબ્ધ છે તેમજ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ઉપલબ્ધ છે. આગામી વેબિનાર “ક્રૂઝ ઇન ધ ગંગા” ટાઇટલ 31 ઓક્ટોબર, 2020ના રોજ સવારે 11.00 વાગે યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.