Western Times News

Gujarati News

બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ પર બૂલ્ડોઝર ફરી વળ્યું

File Photo

અમદાવાદ, ઘણાં બૂટલેગરો પોલીસની રહેમરાહના કારણે સમય જતા મોટા માથા બનતા જતા હોય છે, આવા કિસ્સામાં મોટા માથા બન્યા પછી તેમના કામ પણ મોટા થતા જતા હોય છે. આ પછી તેમની વધતી તાકાતની સાથે ગેરકાયદેસર કામગીરીની તાકાત પણ વધતી જાય છે આવું જ નરોડામાં બન્યું કે જ્યાં બુટલેગર દ્વારા એટલી તાકાત બતાવવામાં હતી કે તેણે નરોડા પોલીસ પર હુમલો કરી દીધો હતો.

આ ઘટના બાદ પ્રોહિબેશન ના ગુનામાં નાસતા ફરતા આરોપી અનિલ સોલંકી સામે ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ મળ્યા બાદ તેના પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અગાઉ પોલીસ સાથે બનેલી ઘટના બાદ બુટલેગર અનિલ અને તેના ભાઈ સંજય દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી આ વખતે એવી કોઈ ઘટના ના બને તે માટે પોલીસ જરુરી બંદોબસ્ત ગોઠવીને પહોંચી હતી.

આ પહેલા ૨૬મી તારીખે નરોડાના મુઠિયા ગામમાં પોલીસ પ્રોહિબેશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અનિલ સોલંકી અને તેના ભાઈ સંજય સોલંકીને પકડવા માટે નરોડા પોલીસની સર્વેલન્સ સ્કવોડની ટીમ ગઈ હતી, તો તેણે બૂમાબૂમ શરુ કરી દીધી હતી, આ બૂમાબૂમ સાંભળીને અરવિંદભાઈની ચાલીમાંથી આવેલા માણસો તથા બુટલેગરના ભાઈઓ અને પિતાએ મળીને પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ પર થયેલા હુમલાની ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

આ હુમલાની ઘટનામાં પોલીસે વારાફરથી છ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. જે બાદ અનિલ સોલંકીના ગેરકાયદેસર બાંધકામની કોર્પોરેશનમાં ફરિયાદ થઈ હતી. આ પછી કોર્પોરેશનની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા પોલીસે કોઈ હુમલાની ઘટના ફરી ના બને તે માટે જરુરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર બાંધકામ તોડતી વખતે કોઈ ડખો ના થાય તે માટે અગાઉથી જ પોલીસે જરુરી બંદોબસ્ત ગોઠવ્યો હતો. હવે સ્થાનિકો દ્વારા જે જગ્યા પરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે ત્યાં પોલીસ ચોકી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

બાંધકામ મોટું હોવાથી અહીં ગુરુવારે સવારથી તેને તોડી પાડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી, હવે મુઠિયા ગામમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા બાદ તે જગ્યા પર શું કરવું તે અંગે પણ જરુરી ર્નિણય આગામી સમયમાં લેવામાં આવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.