બુટલેગર અને સાગરિતોએ યુવાન પર છરીનાં ઘા ઝીક્યા
પોલીસે બુટલેગર ઇમરાન તેમજ હુસેન ઉર્ફે ભુરિયો મકરાણી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો
રાજકોટ: ગોંડલમાં પોલીસને દારૂની બાતમી આપ્યા હોવાની શંકાએ યુવાન પર બુટલેગર સહિત ૪ જેટલા શખ્સોએ છરીના ઘા ઝીકી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે ગોંડલ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ શહેરના મોટી બજાર વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ મહેન્દ્ર ભાઈ ચૌહાણ નામના યુવાનની ફરિયાદ પરથી ગોંડલ સિટી પોલીસ દ્વારા બુટલેગર ઇમરાન હસન ભાઈ કટારીયા તેમજ હુસેન ઉર્ફે ભુરિયો દિલાવરભાઈ મકરાણી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલ સિટી પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી અર્જુન ચૌહાણે જણાવ્યું છે કે, તે પોતે મજૂરી કામ કરી પોતાનું આર્થિક ગુજરાન ચલાવે છે. ઇમરાન કટારીયા અગાઉ વિદેશી દારૂના કેસમાં ઝડપાઈ ચૂક્યો હોવાથી જે બાતમી પોલીસને અર્જુનને આપેલી હોવાની શંકા ઇમરાનને હતી. જે બાબતનો ખાર રાખી ઇમરાન, હુસૈન સહિત ચાર શખ્સો અર્જુન પાસે આવ્યા હતા ને કહ્યું હતું કે, તું મારી બાતમી કેમ આપે છે તેમ કહી પહેલા ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે અર્જુન પર હુમલો કર્યો હતો.
આ સમય દરમિયાન અર્જુનને બચાવવા પડેલા મોહિત અશ્વિન સોલંકીને પણ આરોપી હુસેન ઉર્ફે ભોલિયો તથા ઇમરાને માથામાં તેમજ પડખામાં છરી વડે ઈજા પહોંચાડી હતી. આ મારામારીની ઘટનામાં અર્જુનના ભાઈનો સોનાનો ચેઈન પડી ગયો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ મથકના પી.એસ.આઈ સી. એલ ઝાલા સહિતના સ્ટાફે હાલ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ બુટલેગર સહિતના તેના સાગરીતોએ યુવાન પર હુમલો કરતાં યુવાન ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.