બુધવારે બાળકો-માતાની રસીને પ્રાથમિકતા અપાશે, આરોગ્યકર્મીને રવિવારે રજા આપવા રસીકરણ બંધ
રાજ્યમાં બુધવાર, રવિવારે વેક્સિન નહીં આપવામાં આવે
કોરોના મહામારીનું સંક્રમણ વધવાને કારણે તે સમયે મમતા દિવસે બાળકો અને માતાઓને અન્ય ૧૦ રોગો માટે અપાતી રસીની સાથે સાથે કોરોનાની રસીને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું.
ગાંધીનગર, કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓની ચર્ચા ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે રસીકરણને સૌથી મોટું હથિયાર માનવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જાેવા મળતા રાજ્ય સરકાર દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સરકારે બુધવાર અને રવિવારના રોજ રસીકરણની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે વાત કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં એક વર્ષમાં આશરે ૧૨ લાખ બાળકોનો જન્મ થાય છે. આ બાળકો અને તેમની માતાઓને ૧૦ જેટલા ગંભીર રોગો સામે સુરક્ષા પુરી પાડવા માટે દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે ૧૦ હજાર સેન્ટરોમાં આવા બાળકો અને તેમની માતાઓને વિવિધ રોગોની રસી આપવામાં આવે છે. નીતિન પટેલે આગળ જણાવ્યું કે, કોરોના મહામારીનું સંક્રમણ વધવાને કારણે તે સમયે મમતા દિવસે બાળકો અને માતાઓને અન્ય ૧૦ રોગો માટે અપાતી રસીની સાથે સાથે કોરોનાની રસીને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું.
પરંતુ પાછલા અમુક દિવસોમાં કોરોનાના કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. રાજ્યમાં ૩ કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે, માટે હવે સરકાર બુધવારના રોજ બાળકો અને માતાઓની રસીને પ્રાથમિકતા આપવાનો ર્નિણય લઈ રહી છે. આ સિવાય રસીકરણ અભિયાન દરમિયાન રવિવારે પણ રજાનો લાભ ન લઈ શકનારા આર્યોગ્યકર્મીઓને રજા આપવા માટે રવિવારના રોજ પણ રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ગુજરાતને દરરોજ ૨.૫૦ લાખથી ૩ લાખ જેટલી રસી પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં પણ સરકાર પાસે ૩ લાખ ડોઝ છે. ગુરુવારના રોજ બીજા ૩ લાખ ડોઝ મળી જશે. આ રસી પ્રાપ્ત કરવા માટે ગુજરાત સરકાર પણ સતત ભારત સરકારના સંપર્કમાં રહે છે. બુધવાર અને રવિવારના રોજ રસીકરણની પ્રક્રિયા બંધ રાખવા માટે રસીનો અભાવ જવાબદાર નથી, પરંતુ કેસો ઘટતા હવે નવજાત બાળકો અને માતાઓની રસીને પ્રાથમિકતા આપવાનું મુખ્ય કારણ છે.