બુમરાહનો ઝંઝાવાત : દિલ્હી ધ્વસ્ત, મુંબઈ ફાઈનલમાં
મુંબઈ: બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન બાદ જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઝંઝાવાતી બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ગુરૂવારે દુબઈમાં રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ૫૭ રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ મુંબઈએ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મુંબઈ છઠ્ઠી વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને ફાઈનલ માટે હજી એક તક મળશે.
દિલ્હી શુક્રવારે રમાનારી એલિમિનેટર મેચના વિજેતા સામે રમશે. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ મુંબઈએ સૂર્યકુમાર યાદવ તથા ઈશાન કિશનની અડધી સદી તથા હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગની મદદથી દિલ્હી સામે પાંચ વિકેટે ૨૦૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો. દિલ્હી સામે ૨૦૨ રનનો કપરો લક્ષ્યાંક હતો અને તે તેને પાર પાડી શકી ન હતી.
દિલ્હીની ટીમે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૩ રન નોંધાવ્યા હતા. ૨૦૧ રનના જંગી લક્ષ્યાંકને જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ઝંઝાવાતી બોલિંગે વધારે જંગી બનાવી દીધો હતો. બોલ્ટ અને બુમરાહે દિલ્હીના ટોપ ઓર્ડર્સને ધ્વસ્ત કરી દીધો હતો. દિલ્હીએ ૦ રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પૃથ્વી શો અને અજિંક્ય રહાણે ખાતુ ખોલાવ્યા વગર બોલ્ટનો શિકાર બન્યા હતા જ્યારે બુમરાહે શિખર ધવનને ખાતુ ખોલવા દીધું ન હતું. આમ દિલ્હી બીજી જ ઓવરથી દબાણમાં આવી ગયું હતું.
બોલ્ટ અને બુમરાહે મુંબઈના વિજયનો પાયો નાંખ્યો હતો. ૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટીમનો સ્કોર ૨૦ રન પર પહોંચ્યો હતો ત્યારે કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ આઉટ થઈ ગયો હતો. ઐય્યરે ૧૨ રન નોંધાવ્યા હતા. જોકે, માર્ક્સ સ્ટોઈનિસે દબાણમાં આવ્યા વગર તાબડતોબ બેટિંગ કરી હતી. તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે રિશભ પંતનું કંગાળ ફોર્મ જારી રહ્યું હતું અને તે ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. સ્ટોઈનિસે ૪૬ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે ૬૫ રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત અક્ષર પટેલે પણ લડાયક બેટિંગ કરી હતી પરંતુ તેની બેટિંગ ટીમને પરાજયમાંથી બચાવી શકી ન હતી.