બુમરાહ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ૧૦૦ વિકેટ લેનાર ફાસ્ટ બોલર

નવીદિલ્હી, ટીમ ઇન્ડીયા અત્યારે ઇંગ્લેંડ વિરૂદ્ધ ૫ ટેસ્ટ મેચોની સીરીઝનો ચોથો મુકાબલો ચાલે છે. આ સીરીઝમાં ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે જ ભારત માટે રમતાં એક મોટો રેકોર્ડ હવે જસપ્રીત બુમરાહે પોતાના નામે કરી લીધો છે.
ટીમ ઇન્ડીયાના યુવા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ભારત માટે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે મોટા-મોટા બોલરો બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. બુમરાહ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ૧૦૦ વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની ગયા છે. બુમરાહે આ કારનામો ફક્ત ૨૪ ટેસ્ટ મેચમાં જ કરી બતાવ્યો છે. આજસુધી તેમનાથી ઝડપી કોઇપણ આ કમાલ કરી શક્યું નથી. આ મામલે બુમરાહે મોટા મોટા બોલરોને પાછળ મુકી દીધા છે.
બુમરાહે સૌથી ફાસ્ટ ૫ વિકેટ લેવાના મામલે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવને પણ પાછળ છોડી દીધા છે. કપિલ દેવને ૧૦૦ વિકેત ૨૫ ટેસ્ટ મેચોમાં પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત ઇરફાન પઠાને ૧૦૦ વિકેટ ૨૮ મેચોમાં, મોહમંદ શમીએ ૨૯ મેચોમાં, જાવાગલ શ્રીનાથે ૩૦ અને ઇશાંત શર્માએ ૩૩ મેચોમાં પ્રાપ્ત કરી હતી. પરંતુ હવે જસપ્રીત બુમરાહ આ તમામ દિગ્ગજ બોલરો કરતાં આગળ નિકળી ગયા છે.
જસપ્રીત બુમરાહે ઇંગ્લેંડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં ઇંગ્લેંડન ઓલી પોપને બોલ્ડ કર્યો, ત્યારે તેમણે ૧૦૦ વિકેટ પ્રાપ્ત કરવાનો કારનામો કર્યો. ખાસ વાત એ રહી કે બુમરાહે પોતાની પહેલી અને ૧૦૦મી વિકેટ બોલ્ડ દ્વારા જ લીધી. બુમરાહે પોતાની પહેલી ટેસ્ટ વિકેટ મહાન બેટ્સમેન એબી ડિવિલિયર્સને બોલ્ડ કરીને લીધી હતી.HS