બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલોઃ 24નાં મોત
આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક ચર્ચ ઉપર હુમલો થયો છે, જેમાં 24 લોકોનાં મોત નીપજ્યાં છે. સમાચાર એજન્સી એએફપીએ પ્રાંત રાજ્યપાલના હવાલાથી જણાવ્યું છે કે હુમલો રવિવારે ઉત્તર બુર્કીના ફાસોના એક ગામમાં પ્રોટેસ્ટંટ ચર્ચમાં સાપ્તાહિક સેવા સમારોહ દરમિયાન થયો હતો. બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ચર્ચના પાદરીનું પણ મોત નીપજ્યું છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે.
સૈન્ય અધિકારી કર્નલ સલ્ફો કાબોરે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે સશસ્ત્ર આતંકવાદીઓ યાઘા પ્રાંતના પનસી ગામમાં ઘૂસી ગયા હતા અને શાંતિપૂર્ણ સ્થાનિક વસ્તી પર હુમલો કર્યો હતો. આતંકીઓએ ગોળીઓ ચલાવવા પહેલાં બિન-રહેવાસીઓને અને મહિલાઓને ગામલોકોમાંથી અલગ કરી દીધી હતી. કર્નલ કાબોરના જણાવ્યા મુજબ કેટલાક લોકોનું અપહરણ આતંકીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઘટનાને કારણે આસપાસના ગામોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો તેમની સલામતી માટે ઘર છોડીને પલાયન કરી ગયા હતા. બુર્કિના ફાસો વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે જ્યાં ઉગ્રવાદીઓનું વર્ચસ્વ છે. 2015 પછી, બુર્કિનામાં વિવિધ આતંકવાદી હુમલામાં 750 લોકો માર્યા ગયા છે જ્યારે છ લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.
આમાંના મોટાભાગના હુમલાઓ ખ્રિસ્તીઓ અને ચર્ચોના છે. 10 ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ સિબ્બામાં એક પાદરીના ઘરે સાત લોકોને પકડ્યા હતા, જેમાંથી પાંચ લોકોની લાશ ત્રણ દિવસ પછી મળી આવી હતી. માર્યા ગયેલા લોકોમાં પાદરીઓ પણ હતા. યુએનના આંકડા મુજબ, બર્કિના અને પડોશી માલી અને નાઇજરમાં વિવિધ આતંકવાદી હુમલામાં લગભગ ચાર હજાર લોકોના મોત થયા છે.
આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને ડોરી શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા દરમિયાન આતંકીઓએ દુકાનમાંથી તેલ અને અનાજની લૂંટ પણ કરી હતી. આતંકીઓએ ચર્ચને આગ ચાંપી દીધી હતી. ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલ બુર્કીના ફાસોમાં સૈન્ય પણ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે કારણ કે સુરક્ષાદળો પાસે ન તો અદ્યતન શસ્ત્રો છે અને ન તો ઉચ્ચ ગુણવત્તાની તાલીમ છે.