બુલંદશહરઃ ઝેરી દારૂ પીવાથી 5 લોકોનાં મોત

બુલંદશહરઃ ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના સિકંદરાબાદના ગામ જીતગઢીમાં ઝેરી દારૂ પીવાના કારણે 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 16 લોકોની હાલત નાજુક છે. મળતી માહિતી મુજબ આ તમામ ગામમાં જ વેચાતા દારૂને ખરીદ્યો હતો. આ મામલામાં પોલીસ સ્ટેશન પ્રભારી સહિત 3 પોલીસકર્મીને SSPએ સસ્પેન્ડ કરી દીધા છે. પાંચ લોકોના મોત બાદ સમગ્ર ગામમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાંડના દોષીઓ પર NSA લગાવવાનો આદેશ આપ્યો છે.
નોંધનીય છે કે, બુલંદશહર જિલ્લાના ગામ જીતગઢી નિવાસી 35 વર્ષીય સતીશ, 40 વર્ષીય કલુઆ, રંજીત તથા 60 વર્ષીય સુખપાલ સહિત 16થી વધુ લોકોએ ગામમાં જ દારૂની ખરીદી કરી હતી. ગુરુવાર રાત્રે દારૂ પીધા બાદથી તમામ પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા. મળતી માહિતી મુજબ અડધી રાત બાદ આ તમામની તબિયત બગડવા લાગી.
તેમાંથી સતીશ, કલુઆ, રંજીત અને સુખપાલનું હૉસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું. બાકીના 16 જેટલા લોકોની સારવાર ચાલી રહી છે. આ તમામની સ્થિતિ નાજુક છે. પોલીસ અને વહીવટી ટીમ ગામ પહોંચી ગઈ છે અને પરિવારની મદદની સમગ્ર ઘટનાની જાણકારી મેળવી રહી છે. બીજી તરફ, દારૂ વેચનારો હજુ પોલીસની પકડમાંથી બહાર છે.
મામલો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક પગલાં ઉઠાવ્યા છે. યોગીએ પ્રશાસનને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. દોષીઓ પર NSA તથા ગેંગસ્ટર હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેઓએ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ગામે પહોંચીને પીડિતોને સારી સારવાર મળે તે જોવા માટે કહ્યું છે. આ ઉપરાંત દોષી ડિસ્ટીલરીની વિરુદ્ધ પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.