બુલેટચાલકે પોલીસ કર્મચારીની ફેંટ પકડી શર્ટના બટન તોડી નાખ્યા
નિયમભંગ કરી ભાગી રહેલા સ્કૂટરચાલકે ટીઆરબી જવાનને છરી બતાવી ધમકાવ્યો
અમદાવાદ, શહેરમાં એક તરફ કોરોના વાઇરસનો રાફડો ફાટ્યો છે બીજી તરફ વાહનચાલકો દ્વારા માસ્ક ન પહેરવા તેમજ ટ્રફિક નિયમભંગ બદલ દાદાગીરી પણ વધી રહી છે ત્યારથી વાહનચાલકો અને રાહદારીઓ પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે
ત્યારે મકરબ ત્રણ રસ્તા પાસે ટ્રાફિકના નિયમનો ભંગ કરીને ભાગી રહેલા સ્કૂટરચાલકનો પીછો કરવાનું ટીઆરબી જવાનને ભારે પડ્યુ છે. સ્કૂટરચાલકને રોકવા જતા પાછળી અન્ય એક સ્કૂટર પર ત્રણ સવારી આવેલા યુવકોએ ટીઆરબી જવાન સાથે બોલાચાલી કરી છરી બતાવી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.
સરખેજ ‘એ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હર્ષદભાઇ જાદવે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગઇકાલે હર્ષદભાઇ તેમના સ્ટાફ સાથે મકરબા ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા.
સિગ્નલ બંધ હોવા છતાં સ્કૂટરચાલક નીકળવા જતો હતો ઃ પોલીસે સરખેજ તરફથી આવતા વાહનોની લાઇન બંધ કરાવી હતી તે સમયે એક સ્કૂટર ચાલક સિગ્નલ બંધ હોવા છતા નીકળવા જતો હતો. દરમિયાનમાં ટીઆરબી જવાને તેને ઊભો રાખવાની કોશિશ કરતા તે સ્કૂટર અડાડીને નીકળી ગયો હતો, જેથી ટીઆરબી જવાન તેને ઊભો રાખવા માટે તેની પાછળ જઇ રહ્યો હતો ત્યારે પાછળથી બીજા એક સ્કૂટર પર ત્રણ લોકો આવ્યા હતા.
‘તૂ ક્યૂં ઇસકે પીછે જાતા હૈ, તુ તેરા કામ કર કહી ટીઆરબી જવાનને ગાળે ભાંડી ઃ ત્રણ યુવકોએ ટીઆરબી જવાનને તુ ક્યુ ઇસકે પીછે જાતા હે, તૂ તેરા કામ કર તેમ કહી સ્કૂટર ઊભી રાખી દીધુ હતુ અને ગાળો બોલવા લાગ્યા હતા, જેથી ફરજ પર હાજર અન્ય ટીઆરબી જવાન ચિરાગભાઇ પણ ત્યાં આવી પહોંચ્યા હતા
ત્યારે એક યુવકે તેની પાસે રહેલી છરી બતાવીને ધમકી આપી હતી કે અમને ઊભા રાખવા બહુ સારુ નહીં. અમે નીકળીએ તો ઊભા રાખતો નહિ, જાેકે આસપાસના લોકો એકઠા થઇ જતા ત્રણેય યુવકો ભાગી ગયા હતા, જ્યારે ટીઆરબી જવાને આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બુલેટચાલકે પોલીસ કર્મચારીની ફેંટ પકડી શર્ટનો બટન તોડી નાખ્યા હતા ઃ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટર વિજય વીરસંગ અને તેમનો સ્ટાફ દાણીલીમડા ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી માટે દંડ કરવાની કાર્યવાહી કરતા હતા
તે સમયે એક બુલેટચાલકને પોલીસે રોક્યો હતો અને તેની પાસે ડોક્યુમેન્ટ માગ્ય હતા, જાેકે તે સમયે ડોક્યુમેન્ટ તેની પાસે ન હોવાથી મોબાઇલમાં ડોક્યુમેન્ટ મંગાવી લેવા માટે વાત કરી હતી. પરંતુ ખાસ્સો સમય વીતી ગયો હોવા છતાં પણ તેણે ડોક્યુમેન્ટ બતાવ્યા ન હોવાથી કર્મચારીએ આ બાબતે પૂછતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.
બુલેટચાલકે પોલીસ કર્મચારીની ફેટ પકડી હતી અને શર્ટના બટન તોડી નાખીને લાફો મારી દીધો હતો અને જાેરજાેરથી બુમો પાડીને લોકોનુ ટોળું ભેગુ કરી દીધુ હતું. બુલેટચાલકે પોલીસ કર્મચારીને કહ્યું કે તમે પબ્લિકને ખોટી રીતે હેરાન કરો છો, તમને ડોક્યુમેન્ટ ચેક કરવાનો કોઇ હક નથી, હુ તમારા બધા વિરૂદ્ધ ઉપરી અધિકારીઓને ફરિયાદ કરીશ અને તમને બધાને ફસાવી તમારા બધાના પટ્ટા ઉતારી દઇશ એમ કહીને માથાકૂટ કરી હતી.
ટ્રાફિક પોલીસને હંમેશા જનતા સાથે ઘર્ષણમાં ઊતરવું પડે છે: સામાન્ય વ્યક્તિના મનમાં પોલીસને લઇ આક્રોશ હોય છે અને આપણે ઘણી વાર લોકોને પોલીસની ટીકા કરતા પણ જાેયા હોય છે અને આ જ કારણે ટ્રાફિક નિયમનો દંડ બાબતે ટ્રાફિક પોલીસને હંમેશા જનતા સાથે ઘર્ષણમાં ઊતરવું પડ્યું હોય તેવા કિસ્સા પણ અવારનવાર સામે આવે છે. કેટલીક વખત લોકો સંયમ ગુમાવીને કાયદો પોતાના હાથમાં લઇ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દેતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.