બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જમીનનું વળતર આપવામાં લાંચ લેતાં મામલતદાર સહીત ૩ ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, એક તરફ ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેનને ઝડપથી આકાર આપવા માટે તંત્ર દોડધામ કરી રહયું છે તેની માટે જમીન સંપાદન સહીતની કામગીરી પુરજાેશમાં ચાલુ છે ત્યારે કેટલાંક લાંચીયા અધિકાીરઓ જમીન સંપાદનના વળતરના નાણાં ચુકવવાના બદલે લાખો રૂપિયાની લાંચ માંગતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી જેના પગલે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) હરકતમાં આવતા બે નિવૃત્ત મામલતદાર સહીતના ત્રણ શખ્સો ઝડપાયા છે.
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ખેડાના એક ખેડૂતની જમીન સંપાદન કરાઈ હતી જેના વળતર પેટે તેમને રૂપિયા ૧૭ લાખ ચુકવવાના હતા. જાેકે સરકારનો આદેશ હોવા ઉપરાંત તેમની સાથેના અન્યોને વળતર ચૂકવાઈ જવા છતાં ખેડૂતને રૂપિયા ન મળતા તેમણે ખાસ જમીન સંપાદનની કચેરી ખેડા ખાતે કલાર્ક તરીકે કાર્યરત પીન્કેશ ભગુભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો જેણે રૂપિયા ૧૭ લાખ ખાતામાં જાેઈતા હોય તો મુકેશ મનુભાઈ સોની (નિવૃત્ત મામલતદાર, હાલ કરાર આધારીત) અને ભીખાભાઈ યુ. વાઢેર (નિવૃત્ત મામલતદાર, હાલ કરાર આધારીત)ને રૂપિયા ૩ લાખ ચુકવવા પડશે તેવી વાત કરી હતી. જે અંગે સીધી રીતે રૂપિયા ન સ્વીકારતા પીન્કેશે પીજ ખાતે આવેલી બેંક દ્વારા તે વ્યવહાર કરવાની વાત કરી હતી આ અંગે ખેડૂતે એસીબીને જાણ કરી દિધા બાદ પીન્કેશના કહ્યા મુજબ ૩ લાખ રૂપિયાનું RTGS તેના ખાતામાં કર્યો હતો. બાદમાં એસીબીએ સમગ્ર વ્યવહારની તમામ વિગતો મેળવી હતી અને પીન્કેશના ઘરે દરોડો પાડી ૩.પ૦ લાખની રોકડ પણ જપ્ત કરી છે. એસીબીએ પીન્કેશ, મુકેશભાઈ તથા ભીખાભાઈ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.