બુહારીનો સેવાભાવી યુવક અન્યો માટે પ્રેરણારૂપ બન્યો ;
વ્યારા; તા; ૧૪; નામ, સુરજ સત્યજીતભાઈ દેસાઈ. કામ, સંકટ સમયની સાંકળ. સુરજ દેસાઇ વાલોડ તાલુકાના બુહારી ગામનો સેવાભાવી યુવક છે. “કોરોના” સામેના જંગ માટે વડાપ્રધાનશ્રીની હાંકલ પડી ને તુરત જ આ યુવકે ₹ ૧ લાખ “PM CARES” મા આપી દીધા. આ પૂર્વે પણ ગત વર્ષે જ્યારે કેરાલા માં પુર હોનારત થયેલી ત્યારે સુરજ દેસાઈએ ત્યાં પણ ₹ ૧ લાખની મદદ મોકલાવેલી. આ સિવાય પણ બુહારી તથા આસપાસના ગામોમાં સુરજ દેસાઈનું આખું કુટુંબ હમેશા સેવાપ્રવૃત્તિ કરીને અન્યોને પ્રેરણા આપતું રહ્યું છે.
હાલમાં બુહારીના ઉપસરપંચ તરીકેનો કાર્યભાર સંભાળતા સુરજ દેસાઇ તથા તેમની ટિમ દ્વારા છેલ્લા આઠ વર્ષોથી બુહારી ખાતે નિ;શુલ્ક વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું ભારે ભક્તિભાવ પૂર્વક આયોજન કરવા સાથે, છેલ્લા ત્રણ વર્ષોથી નિ:શુલ્ક રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેંટનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગત વર્ષે કેરળમાં આવેલા પૂર વેળા પણ તેમણે રૂ.૧ લાખની મદદ કરીને માનવતા દાખવેલી. જ્યારે હાલમાં દેશ આખામાં “કોરોના” નો કહેર વ્યાપ્યો છે ત્યારે, આખા બુહારી ગામને સેનેટાઈઝ કરવા સાથે વેડછીના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ, અને જરૂરિયાતમંદ સો જેટલા પરિવારોને અનાજની કીટ પણ પૂરી પાડવામાં આવી છે. સાથે સાથે બુહારી તથા તેની આસપાસના ગામો જેવા કે ગાંગપુર, દાદરીયા, પેલાડબુહારી, વિરપોર, અંધાત્રી, ગોડધા વિગેરે આઠ ગામોમાં આવશ્યક ચીજવસ્તુઓની ફ્રી હોમ ડિલિવરીની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે, કે જેથી ગ્રામજનને લોક ડાઉનમાં ઘરની બહાર નીકળવું ન પડે, અને તેઓ ઘરમાં જ રહીને “કોરોના” સામેના આ જંગમાં તેમનું યોગદાન આપી શકે.
તાપી કલેક્ટર શ્રી આર.જે.હાલાણીની મદદ માટેની ટહેલને માથે ચઢાવતા સુરજ દેસાઇ તથા તેમનો પરિવાર, આવી પડેલી વિપદ ની આ કપરી ઘડીમાં સૌને મદદરૂપ થઈ અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.