બૂકીને સ્ટેડિયમમાં ઘૂસાડનારા PI રાઓલ વોન્ટેડ
અમદાવાદ, મોટેરાના મોદી સ્ટેડિયમમાં રમાતી આઈપીએલ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો બૂક કરી શકાય તે માટે બૂકીને સ્ટેડિયમમાં ઘૂસાડવામાં આવ્યો હતો. આ કારસ્તાન આઈ.બી.ના પીએસઆઈ કિશનસિંહ રાઓલે આચર્યું હોવાનો ઘટસ્ફોટ ઝોન-૨ ડીસીપી વિજય પટેલ અને ટીમે પકડી પાડેલા કૌભાંડમાં થયો છે.
ગોતા વિસ્તારના બૂકી નિતેષ લીંબાચિયા અને રાજસ્થાનના છોટુ મારવાડી નામના બૂકીને સ્ટેડિયમમાંથી લાઈવ સ્કોર જણાવવા માટે જૂનાગઢના પાર્થ કંસારાને સતત બે દિવસ સુધી સ્ટેડિયમમાં ઘુસાડાયો હતો. પાર્થને આઈ.બી.ની સરકારી કારમાં સતત બીજા દિવસે સ્ટેડિયમમાં લઈ જનાર પીએસઆઈ રાઓલને વોન્ટેડ દર્શાવાયા ંછે.
મોટેરાના મોદી સ્ટેડીયમ ખાતે તા. ૨૭ના રોજ આઈપીએલની બેંગ્લોર અને દિલ્હી વચ્ચેની મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી બૂકીઓને લાઈવ સ્કોર અપાતો હોવાની અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ઝોન-૨ ડીસીપીની સ્કવોડના પીએસઆઈ આઈ.ડી. પટેલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં.
આ સમયે ફાયરબ્રિગેડ અને ૧૦૮ની એમ્બ્યુલન્સ પ્રવેશવાના રસ્તા પાસે બહારના ભાગે એક યુવક લાઈવ મેચ જાેઈને તેની પાસેના બન્ને મોબાઈલ ફોન પર સતત વાતચિત કરતો હતો. ઝોન-૨ ડીસીપીની સ્કવોડે પાર્થ શૈલેષભાઈ કંસારા (ઉ.વ. ૨૫, રહે. રાયકાનગર, જૂનાગઢ)ને પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી.
પાર્થ કંસારાએ જણાવ્યું હતું કે, પોતે અમદાવાદના ગોતામાં રહેતા નિતેષ લિંબાચિયા અને રાજસ્થાનના છોટુભાઈ મારવાડી નામના બૂકીઓના સંપર્કમાં રહીને ક્રિકેટ મેચનો લાઈવ સ્કોર જણાવે છે. આ પ્રકારે પોતે ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે. ત્રણ ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનો સાથેના બે મોબાઈલ ફોન કબજે કરીને પાર્થ કંસારા સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે.
ચોંકાવનારી બાબત એ છે કે, પાર્થ કંસારાને ગોતામાં ક્રિકેટ સટ્ટાનું કામ કરતાં નિતેષ લિંબાચિયાએ સ્ટેડિયમમાં ગેરકાયદે પ્રવેશ કરાવવા માટે ગોઠવણ કરી આપી હતી. નિતેષ લિંબાચિયાએ અમદાવાદ આઈ.બી.માં ફરજ બજાવતા પીએસઆઈ કિશનસિંહ રાઓલ સાથે સંપર્ક કર્યો હતો.
પીએસઆઈની સરકારી બોલેરો ગાડીમાં બેસી એન્ટ્રી કરાવવામાં આવી હતી. તા. ૨૬ના રોજ મેચ હતી ત્યારે નિતેષ લિંબાચિયા સ્ટેડિયમમાંથી પકડાયેલા આરોપી પાર્થને ફન રેસીડન્સી હોટલથી શાહીબાગ ડફનાળા લઈ ગયો હતો. ડફનાળાથી પીએસઆઈ રાઓલે પોતાની સરકારી કારમાં બેસાડી પાર્થને સ્ટેડિયમમાં ગેરકાયદે પ્રવેશ અપાવ્યો હતો.
જ્યારે, તા. ૨૭ના રોજ નિતેષ લિંબાચિયા ફન રેસિડન્સી હોટલથી પાર્થને ઈન્દિરા બ્રિજ લઈ ગયો હતો ત્યાંથી પીએસઆઈ કિશનસિંહ રાઓલે જ પાર્થને સરકારી બોલેરો કારમાં સ્ટેડિયમમાં એન્ટ્રી કરાવી હતી.