બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત : નીતીન પટેલ
ગાંઘીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વના એવા ડ્રીમ પ્રોજેક્ટ પર મહારાષ્ટ્ર સરકારે બ્રેક મારી છે આથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આર્થિક સંકટનું કારણ ધરતા ખળભળાટ શરૂ થયો છે. આ પ્રોજેકટ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ સારી નથી. આર્થિક રીતે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર માટે શક્ય નથી. તેનો જવાબ આપતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, આ પ્રોજેક્ટ આગળ ચાલે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈને જોડતો દેશનો સૌથી પહેલો પ્રોજેક્ટ છે. જાપાન સરકારના સહયોગથી નજીવા વ્યાજના લોનની રકમથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. પીએમ મોદીએ તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ ઘણો આગળ વધી ગયો છે. આ કોઈ રાજ્યનો પ્રોજેક્ટ નથી, પણ દેશનો પ્રોજેક્ટ છે.
ભારત સરકાર સાથે કોઈ કરાર થાય તો રાષ્ટ્રીય કરાર તરીકે જોવાતા હોય છે. મુંબઈ દેશનું મોટું મહાનગર છે, જેનુ ગુજરાત સાથે મોટો વ્યવહાર છે. હાજરો પ્રવાસીઓ દરરોજ મુંબઈથી અમદાવાદ પ્રવાસ કરતા હોય છે. વેકેશનમાં પણ અમદાવાદ-મુંબઈ જતી ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ પડતુ હોય છે, લોકોને ટિકીટ મળતી નથી. તેથી ઉદ્ધવ ઠાકરે ચોક્કસ અભ્યાસ કરે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર રાજ્યના અનેક પ્રોજેક્ટ માટે જાપાન સરકાર મદદ કરે છે. માત્ર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ એકલો નથી, બીજા પણ અનેક પ્રોજેક્ટ ચાલે છે. મૂડીરોકાણ થાય, ઈન્ફ્રાસ્ટ્ર્કચર વિકસે, નવી રોજગારી ઉભી થાય તે માટે આખા દેશ માટે આ પ્રોજેક્ટ ઉપયોગી છે. આ પ્રોજેક્ટ આગળ ચાલે તેમાં ગુજરાત અને મહારાષ્ટ્રનું હિત છે. મુંબઈમાં જે વિદેશીઓ આવે છે તે સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યમાં જતા હોય છે. તેમનો સમય બચે અને સરળતા થાય સમય બચે રેલવે પર ટ્રાફિકનું ભારણ ઓછુ થાય તે માટે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ જરૂરી છે.