Western Times News

Gujarati News

બેંકના ખાતાની વિગતો નહીં આપતા ગઠીયાઓએ મહિલાને બાળકો ઉઠાવી જવાની ધમકી આપી

(પ્રતિનિધિ) અમદાવાદ : કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા બાદ કરચોરી ડામી દેવા માટે બેકિંગ સીસ્ટમને વધુ સઘન બનાવવામાં આવી છે અને મોટાભાગની ખરીદી બેંકોના ટ્રાન્ઝેકશન મારફતે થાય તેવો આગ્રહ રાખવામાં આવી રહયો છે જેના પરિણામે હવે સામાન્ય નાગરિકો બેંકોમાં ખાતા ખોલાવવા લાગ્યા છે. જાકે તેનો ગેરલાભ કેટલાક ગઠીયાઓ ઉઠાવી રહયા છે.

નાગરિકોના બેંક ખાતાની વિગતો મેળવી ઓનલાઈન છેતરપીંડી આચરવાની ફરિયાદો વધવા લાગી છે આ  પરિસ્થિતિમાં શહેરના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં એક મહિલાને છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યો શખ્સ ફોન કરીને તેઓના બેંક ખાતાની વિગતો માંગતો હતો.

પરંતુ મહિલાએ ખાતાની વિગતો આપવાનો ઈન્કાર કરી દેતા આ શખ્સે મહિલાના બાળકોનું અપહરણ કરી પરિવારજનોનું હત્યા કરવાની ધમકી આપતા ગભરાઈ ગયેલી મહિલા અને તેના પતિએ આ અંગે પોલીસની મદદ માંગતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને ફોન નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે નોટબંધી બાદ ઓનલાઈન ટ્રાન્ઝેકશનની સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને હવે સામાન્ય નાગરિકો પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે આ ઉપરાંત બેંકોમાં મોટી માત્રામાં સામાન્ય નાગરિકોએ ખાતા ખોલાવ્યા છે અને બેંકની કાર્યવાહીમાં પણ વધારો થવા લાગ્યો છે. આ ઉપરાંત હવે મોટી કંપનીઓ પણ ઓનલાઈન ખરીદી માટે ગ્રાહકોને સેવા આપી રહી છે.

જેના પરિણામે ગઠીયાઓ પણ સતર્ક બનેલા છે. કોલ સેન્ટરો તથા અન્ય માધ્યમોથી ગ્રાહકોને ફોન કરી લોભામણી લાલચો આપી ગ્રાહકો પાસેથી તેમના બેંક ખાતાની વિગતો મેળવ્યા બાદ તેઓના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેવાની ઘટનાઓ ઘટી રહી છે

જાકે સરકાર તથા બેંકો દ્વારા નાગરિકોમાં જાગૃતિ વધે તે માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે પરિણામે નાગરિકોમાં પણ આવા ગઠીયાઓ સામે જાગૃતિ વધી રહી છે.  શહેરના જુહાપુરા વિસ્તારમાં સંકલિતનગર ઈન્દીરા પાર્કમાં રહેતી મહિલા અફસાના અનવરહુસેન ઉ.વ.૩ર પર છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા નંબર પરથી ફોન આવતો હતો. છેલ્લા ત્રણ માસથી આ અજાણ્યો શખ્સ અફસાનાને ફોન કરી તેના બેંક ખાતાની વિગતો માંગતો હતો. પ્રારંભમાં લાલચ આપી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અફસાનાની સતર્કતાના કારણે આ ગઠીયાને બેંકના ખાતાની વિગતો મળતી ન હતી.

આ દરમિયાનમાં તાજેતરમાં જ આ ગઠીયાએ ફરી એક વખત અફસાનાને ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે જા તું બેંકના ખાતાની વિગતો નહી આપે તો તારા બાળકોને ઉઠાવી જઈશું તથા હત્યા કરવાની પણ ધમકી આપી હતી.
ગઠીયાઓએ ધમકી આપતા અફસાનાએ તેના પતિ અનવર હુસેનને જણાવ્યું હતું. અનવસર હુસેન નોકરી કરે છે અને તે પોતે પણ આ ધમકીથી ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા જયાં સમગ્ર હકીકત જણાવતા અધિકારીઓ એલર્ટ થયા હતાં અફસાના ઉપર જુદા જુદા નંબરો પરથી આવેલા ફોનની વિગતો મેળવી હતી અને તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.