બેંકના નવા મેનેજરની તપાસમાં જૂના મેનેજર સામે ATMમાંથી 10 લાખ ગાયબ થવાનો પર્દાફાશ
બેંકના નવા મેનેજરની તપાસમાં બેંક ફ્રોડનો પર્દાફાશ- પૂર્વ મેનેજર સહિત ચાર સામે ફરિયાદ
બેંકના મેનેજર તેમજ સ્ટાફે જ ATMમાંથી 10 લાખ તફડાવ્યા
વડોદરા, વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે ધીરજ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંકના મેનેજર તેમજ હંગામી પટાવાળા સહિતના અન્ય સ્ટાફના સભ્યોએ બેંકની નજીકમાં જ આવેલા એટીએમમાં લોડ કરેલા રૃા.૧૦.૪૩ લાખ તફડાવ્યા હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૃ કરી છે.
આમોદર પાસે શીવ બંગ્લોઝમાં રહેતા મૂળ બિહારના વતની સ્વિટી સુનીતકુમાર જયસ્વાલે વાઘોડિયા પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પીપળીયા ધીરજ હોસ્પિટલમા આવેલ ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં તા.૨૫/૧૦/૨૦૨૧થી બ્રાંચ મેનેજર તરીકેનો ચાર્જ હેમંતકુમાર મીના પાસેથી સંભાળ્યો હતો.
બેંકની બાજુમાં આવેલા એટીએમનું બેલેન્સ મેં ચાર્જ સંભાળ્યો ત્યારે કોમ્પ્યુટરમાં રૃા.૧૦.૪૩ લાખ હતું. અગાઉના મેનેજર અને પટાવાળા દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૧ના રોજ રૃ.૧૫ લાખ અને ત્યાર પછી તા.૧૮/૧૦/૨૦૨૧ના રોજ રૃ.૭.૭૮ લાખ એટીએમમાં લોડ કરાયા હતાં.
ગઇ તા.૧૯/૧૦/૨૦૨૧ના રોજ રાત્રે ૯/૫૫ વાગ્યા સુધી એટીએમ ચાલુ હતુ અને ત્યારપછી એટીએમમા યાંત્રિક ખામી સર્જાતા એટીએમ રિપેરિંગ માટે બ્રાચ મેનેજર હેમંતકુમાર મીનાએ એ.જી.એસ.કંપની અમદાવાદ ખાતે ઇ-મેલથી ફરિયાદ કરતા કંપનીના માણસ આવ્યા હતા પરંતુ એટીએમ રિપેરિંગ થયું ન હતું. મેં ચાર્જ સંભાળ્યા બાદ ફરીથી એટીએમ રિપેરિંગ માટે માણસો આવ્યા હતા પરંતુ તેઓે યુપીએસ બેટરીમા ફોલ્ટ છે તેમ જણાવી જતા રહ્યા હતાં.
ગઇ તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ યુપીએસ બેટરીના ફોલ્ટના રિપેરિંગ માટે માણસો આવતા તેઓની સાથે બેંકના સિક્યુરિટિ ગાર્ડ ગયા ત્યારે ખબર પડી કે એટીએમ મશીનના કેશના દરવાજા ખુલ્લા હતાં.
આ અંગે મેં રિઝનલ કોમ્પ્યુટર સેન્ટર અલકાપુરી વડોદરા ખાતે જાણ કરતા તે જ દિવસે અલકાપુરીથી આવેલા એક્સપર્ટ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ રાત્રે ૯/૫૫ વાગ્યા બાદ યાંત્રિક ખામી સર્જાતા એટીએમમા તે સમયથી તા.૨૮/૧૦/૨૦૨૧ ના કલાક ૧૧ વાગ્યા દરમ્યાન એટીએમમા રૃ.૧૦.૪૩ લાખ જણાયેલ નહી. આ સમયગાળા દરમિયાન એટીએમ મશીન ખોલીને તેના વોલ્ટ (ડ્રોઅર)માંથી ચોરી થઇ હતી.
ઉપરોક્ત વિગતો અંગે અગાઉના બ્રાંચ મેનેજર હેમંતકુમાર મીના, હંગામી પટાવાળો શૈલેષ શર્મા, વિનુભાઇ અને સુભમસીગ સામે ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.