બેંક ધિરાણથી પાપડ વણવાનું મશીન ખરીદ્યું, હવે પાપડનું ઉત્પાદન કરશે
માં રેણુકા સખી મંડળની ધિરાણ પરત ચુકવણીની નિયમિતતા જોઈને આઈ.સી.આઈ.સી.આઈ બેન્કે સામાન્ય પરિવારની મહિલાઓના આ મંડળને રૂ.૪ લાખનું ઓછા વ્યાજ અને સબસિડી સમર્થિત ધિરાણ આપ્યું.
વડોદરા, શહેરના લક્ષ્મીપૂરા – ગોરવા વિસ્તારમાં માં રેણુકા સખી મંડળ કાર્યરત છે અને સામાન્ય શ્રમજીવી પરિવારોની ૧૦ બહેનો આ મંડળના માધ્યમ થી બચત અને પૂરક આવક માટે પાપડ,પાપડી, મસાલા,ચકલી,સૂકા નાસ્તા અને ફરસાણ બનાવવાનો ઉદ્યમ કરે છે.
જો કે વડોદરા મહાનગર પાલિકાની યુ.સી.ડી.પાંખના માર્ગદર્શન હેઠળ ૨૦૧૭માં સ્થાપિત આ સખી મંડળની બહેનોને કશુંક અનોખું કરવાની ધગશ હતી.
એમની આ ધગશ આજે વિજયા દશમીના શુભ પર્વે પૂરી થઈ છે.માં રેણુકા સખી મંડળના નવા સાહસ રૂપે દશેરાના શુભ મુહૂર્તએ પાપડ વણવાનું અદ્યતન યંત્ર,આઈ.સી.આઈ.સી.આઈ.બેંકના રૂ.૪ લાખના ઓછા વ્યાજના ધિરાણ અને સરકારની સબસિડી થી વસાવ્યું અને કાર્યરત કર્યું છે.એટલે આ મહેનતકશ મહિલાઓ માટે આજનો દિવસ ઉધ્યમશીલતા ના વિજયનો દિવસ બન્યો હતો.
યાદ રહે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણ ના સશક્ત માધ્યમ તરીકે બહેનોના સ્વ સહાયતા જૂથો ની રચના અને તેમને આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે બેન્કોના માધ્યમ થી ઓછા વ્યાજે ધિરાણ – સબસિડી આપવાની જોગવાઈ કરી.માં રેણુકા સખી મંડળ તેની જ એક કડી છે.
Day – nulm ના સિટી મિશન મેનેજર અલ્પા ગોડિયા એ જણાવ્યું કે આ સખી મંડળને પહેલીવાર રૂ.૧ લાખની ધિરાણ સહાય આર્થિક પ્રવૃત્તિઓ માટે આપવામાં આવી હતી.તેની નિયમિત પરત ચૂકવણી ધ્યાનમાં લઈને અને યોગ્ય ચકાસણી પછી પાપડ બનાવવાના મશીન માટે હવે રૂ.૪ લાખની ધિરાણ સહાય આપવામાં આવી છે. યુ.સી.ડી.ની માર્ગદર્શિકા પ્રમાણે પંડિત દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ આઈ.સી.આઈ.સી.બેન્કે ઓછા વ્યાજની અને સબસિડી વાળી લોન મંડળને પૂરી પાડી છે.
આ મંડળના સુકાની સંગીતા નિશીથ વણઝારી ખૂબ જ ઉત્સાહી અને પ્રવૃત્તિશીલ છે.તેઓ કહે છે કે અમે સ્વચ્છતા અને સફાઈ સાથે,શુદ્ધ મસાલા અને લોટ વાપરીને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યરક્ષક પાપડ બનાવીને ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા માટે સંકલ્પ કર્યો છે. માર્જીન એટલે કે નફો ભલે ઓછો મળે પણ અમે ગુણવત્તાવાળા પાપડ ગ્રાહકને આપવાના છીએ.
હાલમાં જ્યાં સુધી માંગ ઊભી થાય ત્યાં સુધી અમે ગ્રાહક પોતાનો લોટ,મસાલા ઇત્યાદિ લઈને આવે તો લેબર ચાર્જ લઈને પાપડ બનાવી આપીશું અને સખી મંડળ પણ પાપડ બનાવીને વેચશે. અમે છેક મહારાષ્ટ્ર થી પાપડ માટેના જરૂરી શુદ્ધ મસાલા પીસાવીને લાવ્યા છે.
આ સખી મંડળ રસોઈમાં વપરાતા મસાલા દળવાનું મશીન પણ ભવિષ્યમાં વસાવવા ઈચ્છે છે. અમારા પાપડ લોકોને ગમશે અને તેના વેચાણની આવક માં થી અમે બેંક લોન સહેલાઇ થી પરત ચૂકવિશું એવો તેમને વિશ્વાસ છે.
આ મંડળની બહેનો નિયમિત માસિક બચત કરે છે અને તેના થી ભેગા થયેલા ભંડોળમાં થી સદસ્ય બહેનો ને ફક્ત ૧ ટકા વ્યાજ થી સામાજિક પ્રસંગો, સંતાનોના શિક્ષણ જેવા હેતુઓ માટે ધિરાણ પણ આપે છે.
રાજ્ય સરકારે સખી મંડળો રોજગારી અને આવક આપતી પ્રવૃત્તિઓ કરી શકે અને મહિલાઓ ના સશક્તિકરણ ને વેગ મળે તે માટે ધિરાણ સહાય,વ્યાજ સહાય જેવી જોગવાઈઓ કરી છે અને બેન્કોને તેની સાથે જોડી છે.
માં રેણુકા સખી મંડળ જેવા સ્વ સહાયતા જૂથો નિયમિત ધિરાણ પરત ચુકવણી દ્વારા વિશ્વસનીયતા ઊભી કરીને નવા ક્ષેત્રોમાં પદાર્પણ કરી રહ્યાં છે જે મહિલા સશક્તિકરણ માટે શુભ સંકેત છે.