બેંક યુનિયનોની ૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી હડતાળ પાડશે
નવીદિલ્હી, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ માટે હાલ બજેટ સહિત અનેક બાબતોના સ્ટ્રેસની વચ્ચે આ વખતે બેંક કર્મચારીઓના વિરોધનું પણ ચેલેન્જ હશે. ૧ ફેબ્રુઆરીના રોજ જ્યારે ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં હશે, તે સમયે દેશની તમામ બેંકોના કર્મચારીઓ કામકાજ છોડીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હશે. બેંક યુનિયનોએ એકવાર ફરીથી ૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી હડતાળ કરવાનો નિર્ણય લઈ લીધો છે.
બેંક યુનિયનના મહાસચિવ સીએચ વેંકટચેલમે જણાવ્યું કે, અમે ૩૧ જાન્યુઆરી, ૧ ફેબ્રુઆરી, ૧૨-૧૩ અને ૧૪ માર્ચના રોજ હડતાળનું આહવાન કર્યું છે અને ૧ એપ્રિલથી અનિશ્ચિતકાળની હડતાળનું આહવાન કર્યું છે. અમે અઢી વર્ષથી ઈન્ડિયન બેંક એસોસિયેશન સાથે વાતચીત કરી રહ્યાં છે. ગત સમયે તેઓએ કહ્યું હતું કે, વધારો ૧૦ ટકા થઈ શકે છે અને હવે પગારમાં ૧૨.૨૫ ટકાના વધારાની વાત કરી રહ્યાં છે, જ્યારે કે અમારી માંગ ૨૦ ટકાના વધારાની છે. તેઓએ જોવુ જોઈએ કે, મોંઘવારી વધી છે અને બેંક કર્મચારીઓના માથા પર કામનો બોજો પણ વધ્યો છે. એનપીએની વસૂલાત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પોતાની માંગને લઈને ૮ જાન્યુઆરીના રોજ તમામ બેંક યુનિયનોએ દેશવ્યાપી હડતાળ કરી હતી. બેંક યુનિયનો સહિત દેશના લગભગ ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધ કર્યું હતું. ૨૪ કલાકની અખિલ ભારતીય હડતાળમાં ૨૫ કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેને કારણે મોટાભાગની સરકારી બેંકોમાં કામકાજ પર અસર પડી હતી