બેંગલુરુમાં તોફાનીઓ પાસેથી નુકસાન વસુલવામાં આવશે
બેંગલુરુ, બેંગલુરુમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટને લઈ થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ, રાજ્ય સરકારે આ સમગ્ર હિંસાને સુનિયોજિત ગણાવી છે. આ હિંસામાં અનેક સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચ્યુ છે. આ દરમિયાન રાજ્ય સરકારે બુધવારે હિંસાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટથી કરાવવાની જાહેરાત કરી છે. સાથોસાથ કર્ણાટક સરકારે નક્કી કર્યું છે કે હિંસા દરમિયાન સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓથી કરાવવામાં આવે. કાૅંગ્રેસ ધારાસભ્યના કથિત સગા દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટથી નારાજ થઈને તોડફોડ અને હિંસા પર ઉતરેલી ભીડને વિખેરવા માટે પોલીસે ફાયરિંગ કરતા ત્રણ લોકોનાં મોત થયા છે.
બેંગલુરુના પોલીસ કમિશ્નર કમલ પંતના જણાવ્યા મુજબ, પોલીસના ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયા છે. પુલાકેશી નગરમાં થયેલા તોફાનોના સંદર્ભમાં ૧૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, એક ઓનલાઇન પોસ્ટના કારણે મંગળવાર રાત્રે શરૂ થયેલી હિંસા બુધવાર વહેલી પરોઢ સુધી ચાલતી રહી. તેમાં લગભગ ૫૦ પોલીસકર્મી સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
ગુસ્સે ભરાયેલી ભીડે પુલાકેશી નગરના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાન અને ડીજે હાલી પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યા. ઘટનાના સમયે ધારાસભ્ય પોતાના ઘરે નહોતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમના મકાનને આગ લગાડી દેવામાં આવી. આ મામલે મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે, જે રીતે હિંસા ભડકી છે, તેનાથી જાણી શકાય છે કે તે સુનિયોજિત હતી અને તેનો ઉદ્દેશ્ય શહેર અને અન્ય હિસ્સામાં પણ હિંસા ભડકાવવાનો હતો. આ લોકો દેશદ્રોહી છે.SSS