બેંગલુરૂની સ્થિતિ દિલ્હી જેવી, એક દિવસમાં ૨૩૦૦૦ કરતા વધુ કેસ
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારે ત્રીજી લહેર અંગે ચેતવણી જાહેર કરી છે. સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર વિજય રાઘવનના કહેવા પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર પણ ચોક્કસ આવશે. વાયરસનું સંક્રમણ તેના સૌથી ઉંચા લેવલ પર છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને તે કેટલી ખતરનાક હશે તે હજુ નક્કી નથી થઈ શક્યું પરંતુ આપણે તેના માટે તૈયાર રહેવું પડશે. આ બધા વચ્ચે કોરોનાએ દક્ષિણ ભારતમાં ફરી એક વખત ગતિ વધારી છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ભારતના માત્ર ૪ રાજ્યોમાંથી કોરોનાના ૧,૩૭,૫૭૯ નવા કેસ સામે આવ્યા હતા અને ૬૫૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૧૨,૨૬૨ નવા કેસ સામે આવ્યા ત્યાર બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨,૧૦,૭૭,૪૧૦ થઈ ગઈ છે. સાથે જ ૩,૯૮૦ નવા મૃત્યુ સાથે કુલ મૃતકઆંક ૨,૩૦,૧૬૮ થયો છે.
કોરોનાના કારણે કર્ણાટકની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૦,૦૦૦થી વધારે નવા કેસ સામે આવ્યા છે. ગત વર્ષે થયેલી મહામારીની શરૂઆત બાદ પ્રથમ વખત બુધવારે કર્ણાટકમાં એક જ દિવસના સર્વાધિક કેસ અને મૃતકઆંક નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૦,૧૧૨ નવા કેસ સામે આવ્યા છે.
બેંગલુરૂમાં કોરોના વિસ્ફોટ જાેવા મળી રહ્યો છે. આંકડાકીય રીતે જાેઈએ તો બેંગલુરૂની સ્થિતિ પણ દિલ્હી જેવી જણાઈ રહી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩,૦૦૦ કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે. બેંગલુરૂ દેશનું પહેલું એવું શહેર છે જ્યાં એક દિવસમાં આટલા વધુ કેસ નોંધાયા છે. આ તરફ કર્ણાટકના હુબલીમાં ઓક્સિજનની તંગીના કારણે ૫ દર્દીઓએ દમ તોડ્યો હતો. કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં પણ કોરોનાનો ભારે કહેર વ્યાપ્યો છે.