બેંગલુરૂમાં 14 થી 22 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન, જરૂરી સેવાઓને મળશે છૂટ
બેંગલુરૂ: કોરોના વાઈરસના વધતા જતાં પોઝિટિવ કેસોને પગલે કર્ણાટકના બેંગલુરૂમાં 14 થી 22 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, આ લૉકડાઉન બેંગલુરૂના શહેરી અને ગ્રામીણ બન્ને ક્ષેત્રોને લાગૂ પડશે.
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયૂરપ્પાએ જણાવ્યું કે, “કર્ણાટક સરકારે બેંગલુરૂના શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં 14 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી 22 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી, એક અઠવાડિયા માટે સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કર્યું છે.” જો કે લૉકડાઉન દરમિયાન જીવન જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર, મેડિકલ, શાકભાજી, ફળો, ગ્રોસરીની દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય પહેલાની જેમ જ પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાઓ પણ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, અનલૉકના બીજા તબક્કામાં કર્ણાટક સરકારે રાજ્યમાં 5 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી દર રવિવારે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોનાના વધતા જતાં કેસો બાદ અટકળો થઈ રહી હતી કે, સરકાર શનિવારે પણ લૉકડાઉન લાગૂ કરવાનું વિચારી શકે છે. જો કે નાયબ મુખ્યમંત્રી સી એન અશ્વત્થ નારાયણે તમામ અટકળોને રદિયો આપતા પૂર્ણવિરામ મૂક્યુ હતું.