બેંગ્લોરની બોર્ડિંગ સ્કૂલમાં કોરોના વિસ્ફોટ, 60 વિદ્યાર્થીઓ સંક્રમિત

કર્ણાટક, કોરોનાનુ જોર ભલે ઓછુ થઈ ગયુ હોય પણ હજીય લોકોએ સાવધાની રાખવાની જરૂર તો છે જ અને આ વાતનો પૂરાવો આપતા કિસ્સા પણ બની રહ્યા છે.
જેમ કે બેંગ્લોરમાં આવેલી ચૈતન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ નામની શૈક્ષણિક સંસ્થામાં એક સાથે 60 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. રવિવારે આ સંસ્થામાં એક બાળકને ઝાડા ઉલટી થવા માંડ્યા હતા. એ પછી અહીંયા 480 વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં 60 વિદ્યાર્થીઓ પોઝિટિવ જાહેર થયા હતા.
આ એક બોર્ડિંગ સ્કૂલ છે અને બહારગામથી આવતા વિદ્યાર્થીઓ અહીંયા રહીને અભ્યાસ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એક મહિના પહેલા પાછા આવ્યા હતા અને તે વખતે તેમનામાં કોઈ લક્ષણ નહોતા. હવે 60 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્ર ચોંકી ઉઠ્યુ છે.
હવે સાત દિવસ બાદ આ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને સ્કૂલને 20 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે. જોકે તંત્રનો દાવો છે કે, જે વિદ્યાર્થીઓને કોરોના થયો છે તેમાંથી મોટાભાગનામાં કોઈ ખાસ લક્ષણો જોવા મળ્યા નથી .