આણંદમાં દારુની મહેફિલ માણી રહેલા ૧૩ ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/darubandhi.jpg)
આણંદ, દેશભરમાં હાલ કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. તેથી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા માટે દેશના કેટલાક રાજ્યોમાં લોકડાઉન લગાવાયુ છે. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ પણ લાગુ કર્યો છે. ત્યારે કેટલાક લોકો આવી ગંભીર મહામારીમાં પણ પોતોના મોજા શોખ પુરા કરવાનુ છોડતા નથી.
આવી જ એક ઘટના આણંદ જિલ્લાના આંકલવ નજીક ફાર્મહાઉસમાં બની હતી, કેટલાક યુવકો અને યુવતિઓ ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા માણતા પોલીસના હાથ ઝડપાયા છે. આણંદ જિલ્લાના આંકલવ ખાતે આવેલા મોટીસંખ્યાળ ગામે રોયલ ફાર્મમાં કેટલાક શખ્સો ભેગા મળી દારૂની મેહફિલ માણી રહ્યાં હોવાની વાત પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ધ્યાને આવી હતી.
પોલીસે ફાર્મ હાઉસને કોર્ડન કરી રેઇડ કરી અને આ દરમિયાન ૯ યુવકો અને ૪ યુવતિઓ ડ્રિન્ક એન્ડ ડાન્સની મજા લેતા ઝડપાયા હતા. આ અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતુ કે, જે સ્થળ ડ્રિન્ક એન્ડ ડાન્સ પાર્ટી ચાલી રહીં હતી તે રોયલ ફાર્મ વડોદરાના વિપુલ અગ્રવાલનુ છે. આ ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો મોટી સંખ્યામાં ભેગા મળી દારૂ અને ડાન્સની મહેફિલ માણી રહ્યાં હોય તેવી જાણ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ અધિકારીઓને મળી હતી. જેના આધારે ફાર્મ હાઉસમાં રેઇડ કરતા કુલ ૧૩ લોકો મળી આવ્યાં હતા.
જેમાં ૯ યુવકો અને ૪ યુવતિઓ શામેલ છે. પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બીયર મળી આવી હતી. બનાવને પગલે આંકલવ પોલીસે ૪ યુવતીઓ સહિત ૧૩ લોકો સામે જાહેરનામા ભંગ અને પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફાર્મ હાઉસમાંથી મળી આવેલી દારૂની બોટલો તેમજ ફોર વ્હિલ કાર, બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૦ લાખ ઉપરાંતો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.