બેટર્સની નિષ્ફળતાથી ભારતે દ.આફ્રિકા સામે શ્રેણી ગુમાવી
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ પાસે સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતવાની તક હતી પરંતુ ટીમ ઈન્ડિયા વધુ એક વખત તેનાથી વંચિત રહી ગઈ. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમને સળંગ બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો જેના કારણે યજમાન ટીમે ૨-૧થી સીરિઝ જીતી લીધી.
ત્રીજી ટેસ્ટમાં ભારતને સાત વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો. ભારતીય બોલર્સનું પ્રદર્શન દમદાર રહ્યું હતું પરંતુ બેટર્સે છેલ્લી બંને ટેસ્ટમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. શુક્રવારે પૂરી થયેલી ત્રીજી ટેસ્ટ બાદ સુકાની વિરાટ કોહલીએ પણ સ્વીકાર્યું હતું કે નિરાશાજનક બેટિંગ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાને પરાજયનો સામોન કરવો પડ્યો છે.
ભારતે ત્રીજી ટેસ્ટ જીતવા ડીન એલ્ગરની આગેવાનીવાળી ટીમ સામે ૨૧૨ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જે સાઉથ આફ્રિકાએ ત્રણ વિકેટ ગુમાવીને મેચના ચોથા દિવસે જ પાર પાડ્યો હતો. સેન્ચ્યુરિયનમાં ભારતીય ટીમે ૧૧૩ રને વિજય નોંધાવ્યો હતો પરંતુ જાેહાનિસબર્ગમાં બીજી ટેસ્ટમાં તેને સાત વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મેચ બાદ કોહલીએ ટીમના પરાજય માટે બેટર્સને જવાબદાર ગણાવ્યા હતા. ભારતીય સુકાનીએ કહ્યું હતું કે, બેટિંગના કારણે અમારો પરાજય થયો છે અને અન્ય કોઈ બાબત પર સવાલ ઉઠાવી શકાય તેમ નથી. મહત્વની ક્ષણોએ એકાગ્રતાની ઉણપની કિંમત ચૂકાવવી પડી, વિરોધી ટીમ તે ક્ષણોને પોતાના પક્ષમાં કરવામાં સફળ રહી.
સાઉથ આફ્રિકન બોલર્સે અમારા પર ઘણા સમય સુધી દબાણ બનાવી રાખ્યું હતું અને અમને ભૂલ કરવા મજબૂર કરવામાં સફળ રહ્યા હતા. અંતિમ ટેસ્ટના બીજા દાવમાં રિશભ પંતે સદી ફટકારી હોવા છતાં ટીમ ઈન્ડિયા ૧૯૮ રનમાં આઉટ થઈ ગઈ હતી. જેમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા અનુભવી બેટર નિષ્ફળ રહ્યા હતા. કોહલીએ કહ્યું હતું કે, બેટિંગમાં સુધારાની જરૂર છે અને અમે તેનો સ્વીકાર કરવાથી છટકી શકીએ નહીં. અમે સતત વિકેટો ગુમાવી હતી. આ સારી વાત નછી. હું તેનાથી ઘણો જ નિરાશ છું.SSS