બેટિંગ રેન્કિંગમાં કોહલી ને રોહિતે ટોચના ક્રમ જાળવ્યા
દુબઈ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માનો આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટોચના ક્રમે દબદબો યથાવત્ રહ્યો છે. જ્યારે બોલર્સની યાદીમાં ભારતીય ફાસ્ટર બોલર જસપ્રિત બુમરાહે પોતાનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે. આઈસીસી વન-ડે રેન્કિંગમાં ૮૭૧ પોઈન્ટ સાથે વિરાટ કોહલી પ્રથમ ક્રમે તેમજ રોહિત શર્મા ૮૫૫ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. કોરોના મહામારીને પગલે છેલ્લા સાત મહિનાથી ભારતીય ખેલાડીઓ એકપણ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં રમી શક્યા નહતા.
પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ આઠ પોઈન્ટના વધારા સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. આઝમે તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની મેચમાં ૧૨૫ રનની ઈનિંગ સાથે કુલ ૨૨૧ રન કર્યા હતા. ઝિમ્બાબ્વેના બેટ્સમેન બ્રેન્ડન ટેલર તેમજ સીન વિલિયમ્સ પણ પોતાની શાનદાર સદીની મદદથી રેન્કિંગમાં ઉપરના ક્રમે રહ્યા હતા. બીજી તરફ આઈસીસ બોલર્સના રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ડ ૭૨૨ પોઈન્ટ સાથે મોખરાના સ્થાને હતો જ્યારે ભારતીય ઝડપી બોલર બુમરાહ ૭૧૯ પોઈન્ટ સાથે બીજા ક્રમે યથાવત્ રહ્યો હતો. પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ ઝિમ્બાબ્વે સામે નોંધપાત્ર દેખાવ કર્યો હોવાથી તે તેની કારકિર્દીના શ્રેષ્ઠ એવા ૧૬માં ક્રમે રહ્યો હતો.
ડાબોડી ઝડપી બોલર વહાબ રિયાઝ પણ છ ક્રમ આગળ આવીને ૬૦માં ક્રમે રહ્યો હતો. ઝિમ્બાબ્વેના સિકંદર રઝા ૬૬માં જ્યારે ડોનાલ્ડ તિરિપાના ૯૦માં ક્રમે રહ્યા હતા. ઝિમ્બાબ્વેનો અંતિમ વન-ડેમાં સુપર ઓવરમાં વિજય થયા બાદ તેને ૧૦ પોઈન્ટ્સ મળ્યા હતા જ્યારે પાકિસ્તાનને ૨૦ પોઈન્ટ્સ મળ્યા હતા જેથી તે નેટ રનરેટમાં ઓસ્ટ્રેલિયા કરતા આગળ રહ્યું હતું. સુપર લીગની બે સીરિઝ રમ્યા બાદ ઈંગ્લેન્ડ ૩૦ પોઈન્ટ સાથે ટોચના ક્રમે રહ્યું હતું.SSS