‘બેટી બચાવો – બેટી પઢાઓ’ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ‘દીકરી વ્હાલના વધાંમણા, દીકરી પપ્પાનું પારેવડું’ કાર્યક્રમ યોજાયો
જાણિતી ગાયિકા કિંજલ દવેએ ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું-૨૦ દીકરીઓને વ્હાલી દિકરી યોજનાના રૂા. ૨૦ લાખના મંજૂરી પત્રો અને દીકરી અવતરણ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યાં
‘બેટી બચાવો – બેટી પઢાઓ’ સપ્તાહના કાર્યક્રમને વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ કરવા સ્ટેટ રિસોર્સ સેન્ટર ફોર વિમેન, મહિલા વિંગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યકક્ષાએથી તા. ૭ થી ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ દરમિયાન રાજ્યમાં ‘બેટી બચાવો – બેટી પઢાવો’ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીને શિક્ષણ, દીકરીઓને સુરક્ષા તથા કિશોરીઓના આરોગ્ય અને પોષણ અંગે વિશેષ તજજ્ઞો દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
તે અંતર્ગત અમદાવાદના ટાગોર હોલ ખાતે‘બેટી બચાવો – બેટી પઢાઓ’ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ‘દીકરી વ્હાલના વધાંમણા, દીકરી પપ્પાનું પારેવડું’ કાર્યક્રમ યોજાયોહતો. જેમાં ૨૦ દીકરીઓને વ્હાલી દિકરી યોજના અંતર્ગત પ્રત્યેકને રૂા. ૧ લાખ લેખે કુલ ૨૦ દીકરીઓને કુલ રૂા. ૨૦ લાખના મંજૂરી પત્રો અને દીકરી અવતરણ કીટ આપી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જાણિતી લોક ગાયિકા કિંજલ દવેએ ઉપસ્થિત રહી પોતાના જાણીતા ગીતો ગાઇને ઉપસ્થિત દિકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે આ અવસરે કહ્યું કે, પોતે પણ એક દિકરી છે અને મને બાળપણથી સંગીતમાં રૂચી હતી. મારા માતા- પિતાએ મને ગમતાં સંગીતના ક્ષેત્રમાં જવા આકાશ પૂરું પાડ્યું હતું અને તેના પરિણામે હું તમારી સામે ઉભી છું તેમ કહી દીકરીઓને પણ દીકરા સમાન ગણી પ્રોત્સાહન આપવા ઉપસ્થિત વાલીઓને અપીલ કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, સરકાર દીકરીઓના મામલે સંવેદનશીલ છે અને અભિયાન ચલાવે છે. જો મા-બાપ જ ગંભીર થઈ જાય તો આ અભિયાન ચલાવવું ન પડે એવી સ્થિતિનું નિર્માણ કરીએ. જો દરેક માતા-પિતા દીકરીઓને સપોર્ટ કરશે તો દીકરીઓને આગળ વધવા માટેચોક્કસ પ્રેરણા મળશે. માતા-પિતા જ દીકરીઓને ભણાવે અને આગળ વધારે તે સમયની જરૂરીયાત છે.
આ અવસરે દીકરી જન્મના વધામણાં કેલેન્ડર લોંચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દીકરી વધામણીના મેસેજ લખેલા પતંગોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.નાની બાળકીએ ઉપસ્થિત સૌને દીકરી બચાવોના શપથ પણ લેવડાવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ ઉજવણી અંતર્ગત જુદા- જુદા વિષયો પર તા. ૭ થી ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી દરરોજ દૂરદર્શન ડી.ડી. ગિરનાર તથા સેટકોમ પર દૈનિક ઘોરણે તેનું પ્રસારણ કરવામાં આવશે. આ અવસરે બાળ અને મહિલા અધિકારીશ્રી એઝાઝ મન્સુરી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રીમતી નિલેશ્વરીબાતથા દીકરીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.