બેથી ત્રણ યુવકે હોટલમાં નશાની હાલતમાં સ્ટાફ પર છરી વડે હુમલો કર્યો

Files Photo
અમદાવાદ, જમાલપુર વિસ્તારમાં જાણે કે કાયદો-વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઊડી રહ્યા છે અને પોલીસ જાણે કે મૂકપ્રેક્ષક બની જાેઈ રહી હોય એવું કાલે બનેલી ઘટના પરથી લાગી રહ્યું છે.
જમાલપુરમાં ગઈકાલે રાત્રે છીપવાડમાં આવેલી એક હોટલમાં કેટલાક અસામાજિક તત્ત્વો હોટલમાં નશાની હાલતમાં છરી વડે ધસી આવ્યા હતા અને હોટલ-માલિકને ધમકી આપી ડરનો માહોલ ઊભો કર્યો હતો. હાલ આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે અને ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે જમાલપુરના છીપવાડમાં આવેલી ચાની ઇકબાલ હોટલમાં ગઈકાલે રાત્રે ચા પીવા આવેલા કેટલાક લુખ્ખાઓ હોટલમાં છરી લઈને હોટલના કાઉન્ટર પર આવ્યા અને હોટલના માલિકને છરી બતાવી ધમકી આપી હોટલના સ્ટાફ પર છરી વડે હુમલો કરી તેમની દહેશત બતાવી હતી.
આ સિવાય આ યુવકો નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. આ હુમલા અને દહેશતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલ આ હુમલામાં કોઈને જાનહાનિ થઈ નથી. આ બનાવ પરથી ચોક્કસ સાબિત થાય છે કે જમાલપુરમાં ફરી લુખ્ખાઓ બેફામ થયા છે.
આ બનાવ બાદ હોટલ-માલિકે ગાયકવાડ હવેલી પોલીસ મથકે યુવકો સામે ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.HS