બેદરકારી બદલ રેલ્વેે પાર્સલ ઓફિસના ર કર્મચારી સસ્પેન્ડ
અમદાવાદ ઃ પાર્સલ ઓફિસમાં લગેજ બુકીંગ દરમ્યાન કામમાં બેદરકારી દાખવવા બદલ રેલ્વે અધિકારીઓએ ચીફ લગેજ સુપરવાઈઝર અને ચીફ પાર્સલ બુકીંગ ક્લાર્કને સસ્પેન્ડ કરી દીધા છે. ચીફ વિજીલન્સ ઈન્સપેક્ટર હિમાંશુ કાપડીયા અને તેમની ટીમે અમદાવાદ સ્ટેશનના પાર્સલ ઓફિસમાં કરેલી તપાસ દરમ્યાન પોરબંદર- શાલીમાર પાર્સલ સ્પેશ્યલ ટ્રેનના ત્રણ કોચમાં ઓવરલોડીંગ હોવાનું જણાયુ હતુ.
ખાનગી કંપની દ્વારા કોચમાં ઓવરલોડીંગ લેગેજ ભરવામાં આવતા કોચના બફરને નુકશાન થયુ હોવાનું જણાતા ત્રણેય કોચ ટ્રેનમાંથી દુર કરી બીજા કોચ જાેડવાની ફરજ પડી હતી. રેલ્વેના નિયમ મુજબ એક કોચમાં મહત્તમ ૧૦ હજાર કિલોગ્રામ (૧૦ ટન) લગેજ ભરી શકાય છે.
વિજીલન્સ ટીમે પાર્સલ ઓફિસમાં કરેલી તપાસ દરમ્યાન મહત્તમ ક્ષમતાથી પણ વધુ એક કોચમાં ૧ર૩૬પ કિલોગ્રામ, બીજા કોચમાં ૧૦૬ર૯ કિલોગ્રામ અને ત્રીજા કોચમાં ૯પ૩૦ કિલોગ્રામ વધુ લગેજ ભરવામાં આવ્યુ હોવાનું જણાયુ હતુ. જેના માટે પાર્સલ ઓફિસના કર્મચારીઓની બેદરકારી જણાતા રેલ્વે દ્વારા તત્કાલ અસરથી બંન્ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.