Western Times News

Gujarati News

બેનમૂન પુરાતત્વીય મોઢેરા સૂર્યમંદિરમાં ઉજવાશે-દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, મંગળવાર તા. ર૧ જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ  ઉત્સવનો સાંજે ૬-૩૦ કલાકે શુભારંભ કરાવશે. રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તા.ર૧ અને રર જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ  ઉત્સવ યોજાઇ રહ્યો છે.

ઉતરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસો લાંબા થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે.

મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે.

ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં ૧૯૯રથી ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાર્ધ ઉત્સવ ર૦ર૦માં આ વર્ષે પ્રથમ દિવસે તા. ર૧ જાન્યુઆરીએ ગૌરવ પુરસ્કૃત કલાકારશ્રી ભરત બારીયા, ગૌરવ પુરસ્કાર કલાકારશ્રી, શ્રી અક્ષય પટેલ અને સુશ્રી કલાગુરૂ શીતલ બારોટની ગણેશવંદના તથા સુશ્રી સુધાજી ચંન્દ્રન ભરતનાટયમ્, સુશ્રી ગ્રેસીસીંગજી ઓડીસી, કેવી સત્યનારાયણ કુચીપુડી બેલે, સુશ્રી વિનિતા શ્રીનંદન મોહીની અટ્ટમ, સુશ્રી મોહેંતી ઓડીસી નૃત્યો પ્રસ્તુત કરશે.

આ નૃત્યોત્સવના બીજા દિવસે તા.રર-૧-ર૦ર૦ના રોજ ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ સુશ્રી શીતલ મકવાણાની ગણેશ વંદના, સુશ્રી પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ્, સુશ્રી વૈશાલી ત્રિવેદી કથ્થક, સુશ્રી જયપ્રભા મેનોન મોહિની અટ્ટમ સુશ્રી સપના શાહ ભરત નાટયમ્, સુશ્રી અલોકા કાનુંગો ઓડીસી અને શ્રી દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ ઉત્સવનું સમાપન તા. રર જાન્યુઆરીએ કરાવવાના છે.આ ઉત્તરાર્ધ ઉત્સવમાં રમત-ગમત યુવા સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ મહિલા બાળકલયણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે પણ ઉપસ્થિત રહેશે.  અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતુ હતું તેમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં ઇ.સ.૧૦૨૬માં મોઢેરામાં આ સૂર્યમંદિર રેતીયા પથ્થર પર નિર્માણ પામેલુ છે.

ત્રણ ભાગમાં નિર્મિત આ મંદિરમાં સૂર્યકુંડ, સભામંડપ અને નૃત્ય મંડપમાં રામાયણ મહાભારતના કથાનક શિલ્પો તેમજ કૃષ્ણલીલા અને સુંદર સ્ત્રી શિલ્પો કંડારવામાં આવેલા છે.ભારતમાં કોર્ણાક, મંદસૌર, લાટપૂર અને કાશ્મીરમાં માર્તંડ સૂર્યમંદિરો સાથે ગુજરાતના આ મોઢેરા સૂર્યમંદિરનું પણ સૂર્યોપાસના માટે અદકેરૂં મહત્વ છે.

ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરાયેલા આ મોઢેરા સૂર્યમંદિરમાં ભારતીય સંસ્કૃતિ, કલા સ્થાપત્યના અજોડ વારસા સાથે નૃત્યકલાની ગુરૂશિષ્ય પરંપરા પણ આગામી ઉત્તરાર્ધ ઉત્સવ દરમ્યાન ઊજાગર થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.