‘બેન્કમાંથી બોલું છું’ કહી ઠગ ટોળકીએ બે વ્યક્તિઓને છેતરી: ફોન આવે તો ચેતી જજો
અમદાવાદ, શહેરમાં આજકાલ આર્મીના નામે, સોશિયલ મીડિયામાં, કોરોના મહામારીમાં મદદ, બેન્કમાંથી વેરિફાઇ કે પછી પેટીએમમાં કેવાયસી અપડેટ કરવાના નામે ચીટિંગ કરતી ટોળકી સક્રિય થઇ છે, જ્યારે કોઇના બેન્ક ખાતામાંથી નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હોવાની ઘટનાઓનો પણ રાફડો ફાટ્યો છે
ત્યારે ઠગ ટોળકીએ અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી બેન્કમાંથી વાત કરુ છું તેમ કહી વટવા અને એલિસબ્રિજની બે વ્યક્તિઓને છેતરીને રૂપિયા પડાવી લીધા છે.
ક્રેડિટકાર્ડ અપડેટના બહાને ગઠિયાએ એક લાખ પડાવ્યા ઃ શહેરના વટવાની મુરલીધર સોસાયટીમાં રહેતા હેતલભાઇ ગજ્જરે અજાણ્યા ગઠિયા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હેતલભાઇના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો,
જેમાં ફોન કરનારે કહ્યું કે હું એસબીઆઇ ક્રેડિટકાર્ડમાંથી વાત કરું છું. તેણે આમ કહી ક્રેડિટકાર્ડ અપડેટ કરવા માટે હું કહું તે વધુ માહિતી મને આપો, જેથી ગઠિયાના કહ્યા મુજબ હેતલભાઇએ તમામ વિગત આપી દીધા બાદ એક ઓટીપી નંબર પણ ગઠિયાને આપી દીધો હતો. ઓટીપી નંબર મેળવ્યા બાદ હેતલભાઇના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.એક લાખ રૂપિયા ગઠિયાએ અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.
તમારો પાસવર્ડ તમારી ઓળખ છે ઃ તમારો પાસવર્ડ તમારી ઓળખ છે, જેમ તેમ અજાણી વ્યક્તિ સાથે વાતચીત નથી કરતા કે તેને પોતાની ઓળખ નથી આપતા તો શું કામ તમારો ડેબિટકાર્ડનો પાસવર્ડ કે બેન્કની કોઇ વિગત અજાણ્યા લોકો સાથે શેર કરો છો ?
આ ઉપરાંત જ્યારે પણ તમારા પર બેન્કની વિગતો માગતા મેઇલ કે ફોન આવે તો તેના પર જવાબ આપવાના બદલે સૌથી પહેલાં એ ખાતરી કરો કે આ મેઇલ બેન્કમાંથી આવ્યો છે કે નહિ. બેન્કવાળા ક્યારેય પોતાના ગ્રાહકો પાસે વિગતો માગતા નથી.
આથી ક્યારેય બેન્ક અંગેની પોતાની વિગતો આપવી નહીં. આ બાબતની બધાને ખબર હોવા છતાં પણ લોકો આવી ભૂલ કરી બેસે છે અને તેના કારણે તેઓ ગઠિયાનો ભોગ બને છે. ઠગ ટોળકી અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે.
જાે ફોન આવે તો કઇ તકેદારી રાખવી ઃ જ્યારે પણ આવા ફોન આવે ત્યારે જે તે વ્યક્તિ સાથે વધુ વાત ન કરવી, કારણ કે તેઓ પોતાની મીઠી ભાષામાં વાતચીત કરી લોકો પાસેથી બધી વિગતો લઇ લે છે અને પછી લોકો સાથે ઠગાઇ કરે છે.
ઠગાઇ થાય તો શું કરવું ? ઃ ક્રેડિટકાર્ડ કે ડેબિટકાર્ડની કોઇ વિગતો કોઇને ના આપો. જ્યારે કોઇ બેન્કમાંથી બોલું છું તેમ કહે તો સ્પષ્ટ કહી દેવું કે જે કાંઇ હશે તે હું બ્રાંચમાં જઇ આવીશ અને બધી વિગતો ત્યાં બેન્કમાંથી આપી દઇશ.
‘તમારું ક્રેડિટકાર્ડ બંધ થવાનું છે’ કહી વૃદ્ધા સાથે ઠગાઇ ઃ આંબાવાડીમાં રહેતા ઉષાબહેન દોશી પણ ઠગાઇનો ભોગ બન્યાં છે. ઉષાબહેન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ઉષાબહેનને કહ્યું કે એચડીએફસી બેન્કમાંથી વાત કરું છું, તમારા ક્રેડિટકાર્ડ બંધ થવાનું છે,
જેથી તમારે ચાલુ રાખવુ હોય તો તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે મને આપો. તેણે આમ કહેતા ઉષાબહેનને કંઇક ખોટું થઇ રહ્યું હોવાનું લાગ્યુ હતું. જેથી તેઓ બેન્કમાં ગયા ત્યારે તેમને જાણ થઇ કે ફ્રોડ થયું છે. ઉષાબહેનના ખાતામાંથી ૪૦ હજાર રૂપિયા ગઠિયાએ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.