બેભાન કરી લઇ ગયા, ભાનમાં આવી ત્યારે વસ્ત્રો ખેંચતા હતા
આણંદ: શહેરમાં રહેતી ૧૪ વર્ષની સગીરાને શનિવારે વહેલી સવારે બે કિશોરોએ ભેગા મળીને તેને બાઈક પર બેસાડી ખેડાના વસો ખાતે એક કોમ્પલેક્ષમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવાની ચકચારી ઘટના સામે આવી હતી. જ્યાં તેણીએ પ્રતિકાર કરતાં ટાઈલ્સ અને પથ્થરનો બ્લોક મારી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં કોમ્પલેક્ષના સિક્યોરીટી ગાર્ડની મદદથી તેને નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે બંને જણાં વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડી જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યા હતા. સગીરા ભાનમાં આવતા આ અંગે વાત કરતા અનેક ઘટસ્ફોટ કર્યા હતા. નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગીરાએ પ્રથમ વખત શનિવારે સવારે ચાર વાગ્યે પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી હતી.
તેણે જણાવ્યું હતુ કે, તે છેલ્લાં એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા દ્વારા આ બંને યુવકોના સંપર્કમાં આવી હતી. તેઓ અવાર-નવાર એકબીજા સાથે વાતચીત કરતા હતા. શનિવારે સવારે ચાર વાગ્યાની આસપાસ તેણીને તેમણે મેસેજ કરી ઘરની બહાર મળવા માટે બોલાવી હતી. દરમિયાન, હું ગઈ હતી. હું કંઈ સમજું વિચારૂં તે પહેલાં જ મને રૂમાલ સુંઘાડી બેભાન કરી દીધી હતી. એ પછી બંને યુવકો બાઈક પર વચ્ચે બેસાડી અવાવરૂ કોમ્પલેક્ષમાં લઈ આવ્યા હતા. તેણે વધુમાં જણાવ્યું કે, હું ભાનમાં આવી ત્યારે બંને જણાં મારી સાથે કંઈક અઘટિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારા વસ્ત્રો ખેંચી રહ્યા હતા. એટલે મે પ્રતિકાર કર્યો હતો. મને ભાન નહોતું. આ દરમિયાન, એ જ સમયે એક સગીરે મારા માથામાં પથ્થરનો ઘા કર્યો હતો અને બીજાએ ટાઇલ્સ જેવી વસ્તુથી ગળાના ભાગે ઘા કરતા મને ચક્કર આવવા લાગ્યા હતા.
જે બાદ હું બેભાન થઈને નીચે પડી ગઈ હતી. એ પછી મને ખબર નથી કે મારી સાથે શું થયું? સવારના સમયે કોમ્પલેક્ષમાં કોઈ વ્યક્તિ આવતા મને ભાનમાં લાવ્યા હતા. એ પછી મારા પરિવાર અને પોલીસનો સંપર્ક કર્યો હતો. ભાનમાં આવી ત્યારે હોસ્પિટલમાં હતી. હાલમાં મારી હાલત સ્થિર છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધોરણ ૧૦માં અભ્યાસ કરતો સગીર તેના મિત્ર પાસેથી બહાનાથી બાઈક લાવ્યો હતો.