બેરિકેડ, કાંટાળા તાર, સિમેન્ટની દિવાલ, રસ્તા પર ખીલા, જેસીબી-ક્રેઈનઃ ખેડૂતોને રોકવા 12 લેયરની સુરક્ષા
નવી દિલ્હી, કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતો ફરી 26 જાન્યુઆરીની જેમ દિલ્હીમાં ટ્રેકટરો લઈને ઘૂસી ના આવે તે માટે પોલીસે દિલ્હીની બોર્ડરોને જાણે યુધ્ધ ભૂમિમાં ફેરવી નાંખી છે.
ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે પોલીસે 12 લેયરની સુરક્ષા ગોઠવી છે.જેમાં ગાઝીપુર, સિંધુ અને ટીકરી બોર્ડર પર પોલીસે ખેડૂતોના મંચ બાદ તરત જ બેરિકેડ લગાવી છે.તેના પર કાંટાળા તાર લગાવ્યા છે અને એ પછી આવી જ બેરિકેડ એક પછી એક ગોઠવવામાં આવી છે.બે બેરિકેડ વચ્ચે મોટા પથ્થરો ગોઠવવામાં આવ્યા છે, સિમેન્ટની દિવાલો પણ બનાવાઈ છે અને રસ્તા પર ખીલા નાંખી દેવાયા છે.જેથી ખેડૂતોના ટ્રેકટરો આ ખીલા પરથી પસાર થાય તો ટાયર પંચર થઈ જાય.એ પછી પેરામિલ્ટ્રી ફોર્સના અને પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
સાથે સાથે રસ્તામાં પોલીસે જેસીબી પણ પાર્ક કર્યા છે અ્ને રસ્તા વચ્ચે કન્ટેનર પણ ખડકી દીધા છે.પોલીસની ગાડીઓ અને ક્રેન પણ તૈનાત છે.બીજી તરફ બોર્ડર તરફ જતા રસ્તાને આમ લોકો માટે બંધ કરી દેવાયો છે.અહીંયા ઠેર ઠેર માત્ર પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો જ જોવા મળી રહ્યા છે.આ વિસ્તારને જોતા એવુ લાગી રહ્યુ છે કે, ગમે ત્યારે અહીંયા યુધ્ધ થવાનુ હોય.