બેરોજગારી બેકાબુ : ૭.૭૮ ટકાની નવી ઉંચી સપાટી પર
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાના મોટા દાવા કરી રહી છે પરંતુ આંકડા નવા ઈશારા કરી રહ્યા છે. અર્થવ્યવસ્થાના જુદા જુદા ક્ષેત્રોમાં સુસ્તી બાદ હવે બેરોજગારીના આંકડા પર સુસ્તીના સંકેત આપી રહ્યા છે. દેશમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરી મહિનામાં વધીને ૭.૭૮ ટકા રહ્યો છે. જે ઓક્ટોબર ૨૦૧૯ બાદ સૌથી ઉંચી સપાટી પર છે. છેલ્લા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં બેરોજગારીનો દર ૭.૧૬ ટકા રહ્યો હતો. સેન્ટરફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડાથી આ બાબત સપાટી પર આવી છે કે, બેરોજગારીનો દર દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીની અસરને દર્શાવે છે.
ગયા વર્ષે એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, વર્ષ ૨૦૧૯માં બેરોજગારીનો દર ૪૫ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થા છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછી ગતિથી આગળ વધી છે. નિષ્ણાંતોએ અંદાજ મુક્યો છે કે, દુનિયાભરમાં કોરોના વાયરસના પ્રકોપની અસર ચારેય બાજુ જાવા મળી રહી છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર છેલ્લા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વધ્યો છે અને ૪.૭ ટકા રહ્યો છે.