બેરોજગારી ૪૫ વર્ષની ઉંચી સપાટી પર : મનમોહનસિંહ
નવીદિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન અને ટોચના અર્થ શાસ્ત્રી મનમોહનસિંહે આજે દેશની અર્થવ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, વિકાસદર છેલ્લા ૧૫ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. બેરોજગારીનો દર ૪૫ વર્ષની ઉંચી સપાટી ઉપર છે. સ્થાનિક માંગ ચાર દશકની સૌથી નીચી સપાટીએ પહોંચી છે. બેંક ઉપર બેડ લોનનો બોજ સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચી ચુક્યો છે. ઇલેક્ટ્રીસિટીની માંગ ૧૫ વર્ષની નિચલી સપાટી ઉપર પહોંચી ચુકી છે. એકંદરે અર્થવ્યવસ્થાની હાલત ખુબ ખરાબ બનેલી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પોતાના લેખમાં મનમોહનસિંહે આ મુજબની વાત કરી છે. મનમોહનસિંહે એમ પણ કહ્યું છે કે, આ બાબતોને વિપક્ષના નેતા તરીકે તેઓ રજૂ કરી રહ્યા નથી.
મનમોહનસિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશના નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે કહ્યું હતું કે, દેશની આર્થિક સ્થિતિ સારી છે. જીડીપી ૭.૫ ટકાના દરેથી વિકાસ પામી રહી છે જે જી-૨૦ દેશોમાં સૌથી વધારે છે. મનમોહનસિંહે પોતાના લેખમાં સાફ-સાફ શબ્દોમાં લખ્યું છે કે, દેશની તમામ સંસ્થાઓ અને સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટ્યો છે. આર્થિક સુસ્તી માટે આ મુખ્ય કારણ પૈકી એક કારણ છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા ત્યાંની સામાજિક પરિસ્થિતિને દર્શાવે છે. અર્થ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ બાબત એ રહે છે કે, દેશના લોકો ત્યાંની સંસ્થાઓ ઉપર કેટલો વિશ્વાસ કરે છે. આ સંબંધ જેટલા મજબૂત હોય છે અર્થવ્યવસ્થાની નીવ એટલી મજબૂત હોય છે. મનમોહનસિંહે કહ્યું હતું કે, દેશના કેટલાક મોટા ઉદ્યોગપતિ પોતાને ડરાવીને અને ધમકાવીને આગળ વધવાની વાત કરી રહ્યા છે. તેઓ સરકારી તંત્રથી ભયભીત થવા લાગી ગયા છે. ડરના માહોલના કારણે બેંકરો લોન આપવામાં ખચકાચ અનુભવ કરી રહ્યા છે. ઉદ્યોગપતિઓ નવા પ્લાન્ટ અને પ્રોજેક્ટ શરૂ કરવામાં ભય અનુભવ કરી રહ્યા છે.
ટેકનોલોજી સ્ટાર્ટઅપ સર્વિલાન્સના કારણે ભયભીત થયેલા છે. સરકારી એજન્સીઓ અને સંસ્થાઓના અધિકારી વાસ્તવિકતા રજૂ કરવામાં ભય અનુભવી રહ્યા છે. આ એવા લોકો છે જે અર્થવ્યવસ્થાની ગાડીમાં ટાયર તરીકે કામ કરે છે પરંતુ દરેક વ્યક્તિ ભયભીત છે. વિકાસની ગાડી ધીમી પડી રહી છે. મનમોહનસિંહે અર્થતંત્રના સંદર્ભમાં આજે સ્પષ્ટ નિવેદન કર્યું હતું અને આર્થિક મંદી માટેના કારણો આપ્યા હતા. જા કે, મનમોહનસિંહના નિવેદનને લઇને ભાજપ તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.