બે અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેશે ટીમ ઈન્ડિયા
મેલબર્ન: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે કહ્યું કે ભારતીય ટીમને અહીં પહોંચ્યા પછી એડિલેડમાં બે અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. હોકલેનું નિવેદન બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નિવેદનથી બિલકુલ વિપરીત છે. જેણે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયા ટૂર પર ટીમ બે અઠવાડિયાના આઈસોલેશનના પક્ષમાં નથી.
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષના ટી૨૦ વર્લ્ડ કપ ઓફિશ્યિલ સ્થગિત થયા પછી, હોકલેએ કહ્યું કે, દરેક ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને આઈસોલેશન નિયમો હેઠળ અભ્યાસ માટે સર્વોત્તમ સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે,’બે અઠવાડિયાનું આઈસોલેશન ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત છે. અમે એ સુનિશ્ચિત કરવા પર કામ કરી રહ્યાં છીએ કે આઈસોલેશન દરમિયાન ખેલાડીઓને સર્વોત્તમ પ્રશિક્ષણ સુવિધાઓ મળે, જેથી મેચ માટે તેઓ સર્વશ્રેષ્ઠ રીતે તૈયાર થઈ શકે.’
હોકલે કહ્યું કે,’અમે સ્પષ્ટ રીતે સ્વાસ્થ્ય એક્સપટ્ર્સ અને અધિકારીઓનું માર્ગદર્શન પણ લઈશું. ખેલાડીઓને હોટલ અથવા તો મેદાનની સુવિધા તેમજ મેદાનની નજીકની હોટલમાં રોકાવાનું સુનિશ્ચિત કરવામાં આવશે અને એ પણ કે સંક્રમણનો ખતરો ઓછામાં ઓછો રહે. અમારી પ્રાથમિકતા પૂર્ણ રીતે જૈવ-સુરક્ષિત વાતાવરણ બનાવવાનું છે.’
માત્ર ભારતીય ટીમના ખેલાડીઓને જ નહીં પરંતુ પરત ફરેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને પણ અનિવાર્ય આઈસોલેશન સમયગાળામાંથી પસાર થવું પડશે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરનાર ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી વર્તમાન સીરિઝની ટીમને પણ જૈવ-સુરક્ષિત વાતાવરણમાં જ રાખવામાં આવ્યાં છે.
નોંધનીય છે કે ભારતીય ટીમ આ વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ટૂર પર છે. જ્યાં તેને ૪ ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. જેમાં પહેલીવાર તે વિદેશમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ રમશે. હોકલે કહ્યું કે,‘જાે અમે જૈવ સુરક્ષિત વાતાવરણ કરવામાં અસમર્થ રહ્યાં તો અમારી ઈમેજને નુકસાન પહોંચશે. એડિલેડ ઓવલમાં એક હોટલ છે, તે ઓલ્ડ ટ્રેફર્ડ અથવા એઝિયાસ બાઉલની જેમ જ સુવિધા પ્રદાન કરે છે. હોટલ સ્ટેડિયમની નજીક જ છે.’
નોંધનીય છે કે આઈસીસીએ ટી-૨૦ વર્લ્ડકપ સ્થગિત કર્યો છે. આથી બીસીસીઆઈ સપ્ટેમ્બર-નવેમ્બર વચ્ચે આઈપીએલનું આયોજન યુએઈમાં કરી શકે છે. હોકલેએ કહ્યું કે,‘મને લાગે છે કે બીસીસીઆઈએ કશું જ છુપાવ્યું નથી કે તેમના માટે આઈપીએલ પણ કેટલું મહત્વ ધરાવે છે.’