બે ખેડૂતોના ખેતરોમાંથી મળી આવ્યા લાખો રૂપિયાની કિમતના ગાંજાના છોડ
ગોધરા: ગાંધીના ગુજરાતના માદક પદાર્થો મળી આવવું સામાન્ય થઇ ગયું છે. દારુ, ગાંજાે, ડ્રગ, કે પછી અન્ય કોઈ પદાર્થ હોય, દારૂબંધી કે આવા પદાર્થોનું સેવન કરવાની મનાઈ માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. બાકી છેડેચોક આવા માદક દ્રવ્યોનું વેચાણ થઇ રહ્યું હોવાના પુરાવા અવારનવાર પોલીસ વિભાગની કાર્યવાહી કહી આપે છે.
કહેવાતી નશાબધી વચ્ચે અવાર નવાર ખેડૂતોના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવે છે. ત્યારે ગોધરા એસ.ઓ.જી.શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ઘોઘંબા તાલુકાના લાલપુરીના બે ભેજાબાજ ખેડૂતોના ખેતરોમાંથી અંદાઝે ૧.૪૦ લાખ રૂપિયા કિંમતના ૧૧ ગાંજાના છોડ ઝડપી પાડતા ઘોઘંબા પંથકમાં ભારે ચકચાર..!!
ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામના બે ભેજાબાજ ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં અન્ય પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કર્યુ હોવાની ચોક્કસ બાતમીઓ વચ્ચે ગોધરા એસ.ઓ.જી. શાખાના પી.આઈ. એમ.પી.પંડયાએ હાથ ધરેલા આ સર્ચ ઓપરેશનમાં અંદાજે ૧.૪૦ લાખ રૂપિયાની કિંમત ધરાવતા ૧૪ કિલો વજનના ગાંજાના ૧૧ લહેરાતા છોડ મળી આવતા આ બન્ને ખેડૂતો નારકોટિક્સ એકટ હેઠળ ધરપકડ કરતા સમગ્ર ઘોઘંબા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામના માતાવાળા ફળિયામાં રહેતા બીપીનસિંહ પરમાર અને અર્જુનસિંહ પરમાર નામના બે ભેજાબાજ ખેડૂતોએ તેઓના ખેતરોમાં ગવાર અને રીંગણના પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતું. લાલપુરી ગામના માતાવાળા ફળિયામાં આવેલા આ બે ખેતરોમાં ગોધરા એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓએ ગુપ્તરાહે કોર્ડન કરીને સર્ચ અભિયાન હાથ ધરતા ગવાર અને
રીંગણના પાક વચ્ચે ૧૧ જેટલા અંદાઝે ૬ ફૂટના ગાંજાના લહેરાતા છોડ મળી આવ્યા હતા.
આ બન્ને ખેતરોના ભેજાબાજ ખેડૂતો બીપીન પરમાર અને અર્જુનસિંહ પરમારની સ્થળ ઉપર જ ધરપકડ કરીને એસ.ઓ.જી.શાખાના પી.આઈ. એમ.પી.પંડયાએ આ સંદર્ભમાં પૂછપરછ કરતા બીપીન પરમારે આ ગાંજાના છોડનું બિયારણ છ મહિના પૂર્વે પોલીસના હાથે ઝડપાયેલા કાકા અર્જુનસિંહ પરમારે આપ્યું હોવાનું જણાવ્યું હતુ. જ્યારે અર્જુનસિંહ પરમારે આ બિયારણ તેઓના ગામ નજદીક આવેલા એક ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા બિહારના એક ઈસમે આપ્યા હોવાનું જણાવ્યું હતું. અંદાઝે ૧૪ કિલોગ્રામ વજન ધરાવતા ૧.૪૦ લાખ રૂપિયાની કિંમતના આ ૧૧ લીલાછમ ગાંજાના છોડ સંદર્ભમાં રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા આ ખેડૂતો સામે એન.ડી.પી.સી. એકટની કલમ ૨૦(એ), ૨૯ મુજબ ગુન્હો દાખલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.