બે ડોઝ બાદ કોરોના થયેલા ડૉક્ટર ઝડપથી સાજા થયા
અમદાવાદ, કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ અતિ ગંભીર સાબિત થઈ રહ્યું છે. કોરોના સામે લડવા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયું છે. અત્યાર સુધી ૪૫ વર્ષ સુધીના લોકોને રસી અપાતી હતી અને હવે, મે મહિનાની પહેલી તારીખથી ૧૮-૪૪ વર્ષના લોકોને પણ રસી અપાઈ રહી છે. ત્યારે કરોડો લોકોએ રસી લઈ પોતાને સુરક્ષિત કર્યા છે.
રસી લીધા બાદ પણ કેટલાક લોકો કોરોના સંક્રમિત થયા છે. જાે કે, તેઓ ઝડપથી સાજા પણ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલના તબીબ પણ રસીના બે ડોઝ લીધા બાદ કોરોના સંક્રમિત થયા હતા. જાે કે, ગણતરીના દિવસોમાં જ તેમણે કોરોનાને હરાવી દીધો છે.
સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. યતીન દરજીએ કહ્યું, કોરોનાથી બચવા માટે વેક્સીન કારગર હથિયાર છે. રસીના કારણે જ તેઓ ગંભીર સંક્રમણથી બચી શક્યા છે માટે તમામે રસી લેવી જાેઈએ. ડૉ. યતીને ૧૨મી ફેબ્રુઆરીએ પ્રથમ ડોઝ અને ૧૩મી માર્ચે બીજાે ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ તેઓ ફરજ પર કાર્યરત રહ્યા હતા.
પરંતુ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી કોરોના વાયરસનું આ ઘાતક સ્વરૂપ તેમના ફેફસાના ૨૦થી ૨૫ ટકા વિસ્તારને જ નુકસાન પહોંચાડી શક્યું. તબીબી સારવાર અને વેક્સીનના બંને ડોઝ લીધા હોવાથી ડૉ. યતીનના શરીરમાં ઉત્પન્ન થયેલા એન્ટીબોડીઝે શરીરમાં પ્રવેશેલા વાયરસ સામે પ્રતિકાર કર્યો હતો.
કોરોના સામે લડત આપીને તેઓ ખૂબ ઝડપથી સાજા થયા હતા અને ઘરે પરત ફર્યા છે. કોરોના વોર્ડમાંથી લોકોને અપીલ કરતાં તબીબે કહ્યું, મેં કોરોનાની રસી લીધી હતી અને તેના કારણે જ સંક્રમિત થયા બાદ પણ ઝડપથી સાજાે થઈ શક્યો છું. દેશના તમામ નાગરિકોએ રસી અચૂકપણે લઈને સંક્રમણથી સુરક્ષિત થવું જાેઈએ.
ડૉ. યતીન દરજીના કહેવા અનુસાર, કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ સરકારી નિર્દેશોનું પાલન પણ જરૂરી છે. રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જવાથી સંક્રમણનો લાગવાનો ભય રહે છે. બાકીના કિસ્સામાં સામાન્ય સંક્રમણથી રસીના કારણે જરૂરથી બચી શકાય છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, અમારી ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં કોરોનાના રસીકરણ બાદ સંક્રમિત થઈને આવેલા દર્દીઓમાં વાયરસની ગંભીરતાનું પરિણામ ઓછું જાેવા મળ્યું છે. જેમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.