બે તબક્કામાં રણજી ટ્રોફી યોજવાની બોર્ડ દ્વારા યોજના
નવી દિલ્લી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ કોરોનાના વધતા જતા કેસોને કારણે રણજી ટ્રોફી સ્થગિત કરી દીધી હતી. હવે બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે ગુરુવારે કહ્યું કે બોર્ડ બે તબક્કામાં રણજી ટ્રોફીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.
દેશમાં કોવિડ-૧૯ના વધતા જતા કેસોને કારણે બોર્ડે આ પ્રથમ-વર્ગની સ્પર્ધાને સ્થગિત કરવી પડી હતી રણજી ટ્રોફીમાં ૩૮ ટીમો ભાગ લે છે. તે ૧૩ જાન્યુઆરીથી યોજાવાની હતી, પરંતુ કોવિડ -૧૯ ના ત્રીજા લહેરના કારણે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.
બીસીસીઆઈ ૨૭ માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું આયોજન કરવાની યોજના ધરાવે છે અને આવી સ્થિતિમાં રણજી ટ્રોફીનું એક તબક્કામાં આયોજન શક્ય જણાતું નથી, પરંતુ અનેક રાજ્ય એકમોની વિનંતી બાદ બોર્ડે બેઠકમાં તેના પર ચર્ચા કરી હતી. ધૂમલે મીટિંગ બાદ પીટીઆઈને કહ્યું, ‘અમે રણજી ટ્રોફીના આયોજનની શક્યતાઓ શોધી રહ્યા છીએ. જ્યારે તેને મુલતવી રાખવામાં આવ્યું ત્યારે કેસો વધી રહ્યા હતા.
હવે એવું લાગે છે કે કેસ ઓછા થઈ રહ્યા છે. સ્ટીયરિંગ ટીમ એ વાત પર કામ કરી રહી છે કે શું અમે આવતા મહિને લીગ તબક્કાનું આયોજન કરી શકીએ અને બાકીની ટુર્નામેન્ટ (આઈપીએલ) પછીથી પૂર્ણ કરી શકીએ. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પણ બેઠકમાં ભાગ લીધો હતો.
વર્તમાન યોજના મુજબ, લીગ તબક્કો ફેબ્રુઆરીથી માર્ચ સુધી એક મહિના માટે યોજાવાનો છે, જ્યારે આગામી તબક્કો જૂન-જુલાઈમાં યોજાશે, જ્યારે દેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં ઉનાળો તેની ટોચ પર છે.
બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું, ઓપરેશન ટીમ હવામાન ઉપરાંત સ્થળો અને ખેલાડીઓની ઉપલબ્ધતા પર કામ કરશે. અમે ટૂર્નામેન્ટનું આયોજન કરવા આતુર છીએ અને તેથી અમે ખેલાડીઓની સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના તેનું આયોજન કરવાની શક્યતાઓ શોધી રહ્યા છીએ.SSS